Jamnagar News: જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા) દ્વારા હોસ્પિટલ ખાતે વિવિધ રોગોની પરિણામલક્ષી સારવાર આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયની લોકોની જીવનશૈલીને કારણે ઉદભવતી સમસ્યા-રોગોને અનુલક્ષીને ત્રણ નવી ઓ.પી.ડી. શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે તા. 16 જાન્યુઆરીથી આઇ.ટી.આર.એ. હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. નં; 3, 4, અને 5 ખાતે સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ માટે સાંજે 04:00 થી 05:30 દરમિયાન ચાલુ રહેશે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદે જણાવ્યા અનુસાર, ઓ.પી.ડી. નં: 3 ખાતે આંખને લગતી તકલીફો જે વધુ પડતા મોબાઇલ-ટીવીનો ઉપયોગ, કોન્ટેક લેન્સનો લાંબા સમયથી ઉપયોગ, સુકા-ગરમ વાતાવરણમાં વધુ સમય કામ કરવું, આંખમાં ઝાંખપ આવવી, આંખો સુકાવી વગેરે માટે નિદાન ચિકિત્સા ઉપલબ્ધ થશે.
ઓ.પી.ડી. નં: 4 ખાતે માથાના અડધા ભાગમાં દુ:ખાવો, બેચેની, ઉલ્ટી ઉબકા, પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા, આધાશીશી વગેરે તકલીફો માટે નિદાન ચિકિત્સા ઉપલબ્ધ થશે. ઓ.પી.ડી. નં: 5 ખાતે પાન-મસાલા, ગુટખા, સોપારીને કારણે મોઢું ન ખુલવું, મોઢાની ચામડી સુકાઇ જવી, તીખું આરોગવામાં તકલીફ, મોઢામાં બળતરા થવી વગેરે તકલીફો માટે નિદાન ચિકિત્સા ઉપલબ્ધ થશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.