જામનગરના જોડિયામાં વરસાદની ખેંચથી પાક નિષ્ફળ, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ

ચોમાસું નિષ્ફળ જવાથી મોંઘા બિયારણ, ખાતર અને ખેડ પાછળ કરેલો તમામ ખર્ચ માટીમાં મળી ગયો છે. હાલ ખેડૂતો બેંક ધિરાણ તેમજ વ્યાજે લીધેલા નાણાં ચૂકવવામાં સાવ અસમર્થ બન્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 28 Sep 2026 11:31 AM (IST)Updated: Mon, 28 Sep 2026 11:31 AM (IST)
jamnagar-news-rainfall-deficit-hits-jodiya-farmers-demand-drought-declaration

Jamnagar News: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદની ભારે અછતને કારણે ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. વરસાદ ન પડવાને કારણે વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં ઘેરાયા છે. આ પરિસ્થિતિ વચ્ચે જોડિયાના વાવડી ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને સમગ્ર જોડિયા વિસ્તારને વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અછતની સ્થિતિને ધ્યાને રાખીને દુષ્કાળ જાહેર કરવામાં આવતો હોય, તો ગુજરાતમાં ખેડૂતોની આવી સ્થિતિ હોવા છતાં નિર્ણય કેમ લેવાતો નથી? સ્થાનિક ખેડૂતો દ્વારા આ મામલે મામલતદાર અને જિલ્લા કલેક્ટર કચેરીએ અવારનવાર આવેદનપત્રો પાઠવી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ચોમાસું નિષ્ફળ જવાથી મોંઘા બિયારણ, ખાતર અને ખેડ પાછળ કરેલો તમામ ખર્ચ માટીમાં મળી ગયો છે. હાલ ખેડૂતો બેંક ધિરાણ તેમજ વ્યાજે લીધેલા નાણાં ચૂકવવામાં સાવ અસમર્થ બન્યા છે. ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે સમગ્ર વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવવામાં આવે, યોગ્ય આર્થિક સહાયનું પેકેજ આપવામાં આવે અને ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

વાવડી ગામના ખેડૂતોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, એક તરફ સરકાર ગુજરાતને "રોલ મોડલ" ગણાવીને પોતાના વખાણ કરે છે, તો બીજી તરફ જગતના તાત ગણાતા ખેડૂતોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જો સરકાર દ્વારા વહેલી તકે જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોએ ચીમકી આપી છે.