Jamnagar News:જામનગરના જોડિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને દિવસ રાત પકડવાની કાર્યવાહી થઈ રહી છે.ત્યારે જોડિયામાં સવારના સમયે બજારમાં રખડતા આખલાએ ઢીકે ચડાવતા 71 વર્ષના વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી.તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં મોત નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ,જોડિયા ગામે રહેતા ગોપાલભાઈ ભુપતભાઈ દવે(ઉ.વ.71) ગઈ તા.10ના રોજ સવારના સમયે બજારમાં જતા હતા ત્યારે રખડતા આખલાએ ગોપાલભાઈને ઢીકે ચડાવતા તેઓને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.તેમને સારવાર માટે સૌ પ્રથમ જોડિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું અહીં સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.
ગોપાલભાઈ ને સંતાનમાં એક દીકરો બે દીકરી છે અને પોતે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા હતા.વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. બીજા બનાવમાં પોરબંદરના મિયાણી ગામે રહેતા સુમિત નાથાભાઈ પરમાર નામનો 21 વર્ષનો યુવાન રાત્રિના સમયે બાઇક લઈને જતો હતો ત્યારે લાંબા ગામથી હર્ષદગામ વચ્ચે આખલા સાથે બાઇક અથડાતા સુમિતને શરીરે ઇજા થઇ હતી.તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
