Jamnagar:કાલાવડના આણંદપર ગામમાં ખેડૂત પિતા-પુત્ર પાસે 15 લાખની ખંડણી માગી, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 17 May 2024 12:50 PM (IST)Updated: Fri, 17 May 2024 12:50 PM (IST)
jamnagar-news-in-kalavads-anandpar-village-a-farmer-father-and-son-demanded-an-extortion-of-15-lakhs-police-registered-a-complaint

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના ચાર કરોડ રૂપિયા આવ્યા હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ હરજીભાઈ જેસડીયા નામના પપ વર્ષના ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાને તથા પોતાના પુત્ર જયને ટેલીફોન ઉપર તેમજ ઘર પાસે આવીને ધાક ધમકી આપ્યાની અને રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગ્યા અંગેની ફરિયાદ પોતાના જ ગામના વિશાલ કારાભાઈ રાખસિયા તેમજ પીઠડીયા ગામના દિનેશભાઈ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડુતે ધીરુભાઈએ પોતાની ખેતીની જમીન આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટના એક વ્યક્તિને વેચાણથી આપી હતી, જેના વેચાણની અંદાજે ૪ કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી. જે રકમ મળી હોવાની જાણકારી ઉપરોક્ત બંને આરોપીઓને થઈ જતાં અગાઉ ટેલિફોન મારફતે ધમકી આપી ૧૫ લાખ ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરાઈ હતી. જે માંગણી નહીં સ્વીકારતાં બંને આરોપીઓ ઘરે આવીને દરવાજામાં લાતો મારી પૈસાની માંગણી કરતા હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.