Jamnagar: જામનગર સાયબર ક્રાઈમને મોટી સફળતા સાંપડી છે. જેમાં પ્લાસ્ટિક કોમોડિટીમાં રોકાણ કરાવીને 25 ટકા રિટર્ન આપવાની લાલચ આપીને જામનગરના વેપારી સાથે 50 લાખની ઠગાઈ આચરનારા બે ગઠિયાઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે.
શું છે સમગ્ર મામલો?
2022માં વેપારી ધવલ શાહના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબરથી વ્હોટ્સઅપ મેસેજ આવ્યો હતો. જેમાં તેમને હીરા, સોનું અને પ્લાસ્ટિકમાં રોકાણ કરાવીને સારું રિટર્ન મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આ મેસેજમાં વેપારીને એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતુ. જેમાં એકાઉન્ટ બનાવીને વેપારીએ ટૂકડે-ટૂકડે 50,04,075 રૂપિયાનું રોકાણ કર્યું હતુ. જેની સામે વેપારીને કોઈ રિટર્ન ના મળતા તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે પશ્ચિમ બંગાળના કોલકતાથી વિવેક કનોરિયા (38) અને ભગતસિંહ વર્મા (41)ને ઝડપી પાડ્યા છે.હાલ તો આરોપીઓ પાસેથી એક મોબાઈલ અને લેપટોપ કબજે કરવામાં આવ્યું છે.
આરોપીઓ દ્વારા જામનગરના વેપારી સિવાય અન્ય કોઈ સાથે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ આચરી છે કે કેમ? તેની તપાસ માટે લેપટોપ અને મોબાઈલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ મળી આવેલા બેંક એકાઉન્ડના હોલ્ડર્સ કોણ-કોણ છે અને અન્ય કોઈ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
