Poonamben Maadam Latest News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે યોજાયેલા ત્રણ દિવસીય પરંપરાગત લોકમેળામાં ભક્તિ અને લોકડાયરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ લોકમેળામાં રામદેવપીરના દર્શન અને ભજનોની રમઝટ માણવા લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. લોકડાયરોમાં સાંસદ પૂનમ માડમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પર ડોલર અને રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
પૂનમ માડમ પર ડોલરનો વરસાદ કરાયો
મેળા દરમિયાન આયોજિત લોકડાયરામાં જામનગરના સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં હાજર રહેલા ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ ભક્તિભાવપૂર્વક પૂનમ માડમ પર ડોલર, સોના-ચાંદીની અને રૂ. 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ સાથે તેમને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રામદેવપીરનાં ભજનોની રમઝટ
લોકડાયરા દરમિયાન કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ખાસ પ્રસંગે ભક્તોએ પરંપરાગત દીવાને બદલે પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ પ્રગટાવીને રામદેવપીરની આરતી ઉતારી હતી. આ દિવ્ય દ્રશ્ય આકાશમાં તારાઓ ચમકતા હોય તેવું લાગી રહ્યું હતું.

પૂનમ માડમે અનોખી આરતીમાં ભાગ લીધો
સાંસદ પૂનમ માડમે પણ આ અનોખી આરતીમાં ભાગ લીધો હતો. આ મેળાનું આયોજન સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કાલાવડના રણુજામાં પાંચ દાયકા કરતા વધુ સમયથી આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે, રામદેવપીર મહારાજના દર્શન કરે છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.