Jamnagar Free Bus Service: જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે એક મોટી અને રાહતરુપ જાહેરાત કરવામાં આવી છે. ભાઈબીજના દિવસે નાગરિકો શહેર અને આસપાસના વિસ્તારોમાં આસાનીથી મુસાફરી કરી શકે તે માટે જામનગર મનપા દ્વારા સંચાલિત 50 એસી ઈલેક્ટ્રિક બસોમાં આખો દિવસ તદ્દન નિ:શુલ્ક મુસાફરી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 કિમીના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રી સેવા
જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ઈલેક્ટ્રિક બસ સેવા માત્ર જામનગર શહેરના સર્ક્યુલર રુટ સુધી સીમિત નથી. પરંતુ શહેરની આસપાસના 15 કિલોમીટર સુધીના ગ્રામ્ય પંથકોને સાંકળી લે છે. જેમાં ચેલા, દરેડ, અલીયાબાડા અને નાઘેડી સહિતના આસપાસના ગામો સુધી આ સેવા કાર્યરત છે. ભાઈ બીજના દિવસે શહેર ઉપરાંત આ તમામ આસપાસના ગામોના નાગરિકો પણ આ ફ્રી સેવાનો લાભ લઈ શકશે.
મનપાએ કરી લોકોને ખાસ અપીલ
ભાઈબીજના દિવસે મુસાફરોની સુવિધા માટે તમામ નક્કી કરાયેલા રૂટના બસ સ્ટોપ પરથી દર 30 મિનિટે એ.સી. ઈ-બસ ઉપલબ્ધ રહેશે. જામનગર મહાનગરપાલિકા અને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, બસમાં મુસાફરી દરમિયાન દરેક મુસાફરે શિસ્ત જાળવવી, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોને બેસવા માટે પ્રાથમિકતા આપવી.
તહેવારના દિવસે ખાનગી વાહનોના બદલે આ પર્યાવરણ અનુકૂળ નિઃશુલ્ક એ.સી. ઈ-બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બસના ડ્રાઈવર તથા કંડક્ટર સહિતના કર્મચારીઓને પૂરતો સહકાર આપવો.
