કેરળમાં ઈજાગ્રસ્ત 18 મહિનાની હાથણી ‘માયા’ની મદદ માટે આગળ આવ્યા અનંત અંબાણી, સારવાર માટે વનતારા એરલિફ્ટ કરાઈ

કેરળમાં ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચરથી પીડાતી 18 મહિનાની હાથણી 'માયા'ને અનંત અંબાણીની પહેલ પર વનતારા જામનગર ખાતે એરલિફ્ટ કરી લાવવામાં આવી છે. અહીં જાણો આ ભાવુક રેસ્ક્યૂ ઓપરેશનની પૂરી વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 06 Nov 2026 10:58 PM (IST)Updated: Fri, 06 Nov 2026 10:58 PM (IST)
anant-ambanis-vantara-rescues-injured-elephant-maya-from-kerala

Vantara News: 19 એપ્રિલ 2025ના રોજ કેરળના મલયાત્તૂર ડિવિઝનના કાપ્રિક્કાડ વિસ્તારમાંથી વન વિભાગના કર્મચારીઓને એક હાથણી મળી આવી હતી. જન્મના થોડા જ સમયમાં માતાથી બિછડી ગયેલી આ હાથણી ખૂબ જ નબળી અને ડીહાઈડ્રેટેડ (શરીરમાં પાણીની અતિશય કમી) સ્થિતિમાં હતી.

સહાયક વન પશુ ચિકિત્સા અધિકારી ડૉ. બિનાય સી. બાબુ અને તેમની સમર્પિત ટીમે સતત 1 વર્ષથી વધુ સમય સુધી રાત-દિવસ તેની બાળકની જેમ સઘન સંભાળ રાખી અને પ્રેમથી તેનું નામ ‘માયા’ રાખ્યું.

રમત-રમતમાં અકસ્માત અને સ્વાસ્થ્યમાં ગંભીર ઘટાડો

જુલાઈ 2026માં માયા રમતા-રમતા લપસી ગઈ, જેના કારણે તેના ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને ફિઝિયોથેરાપી, સ્પ્લિન્ટ્સ (હાડકાંનો ટેકો) અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ આપવા છતાં તેની હાડકાંની ઘનતા વધવાને બદલે ઓછી થવા લાગી.

ઓક્ટોબરના અંત સુધીમાં સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ કે માયા પોતાના પગ પર ઊભી રહેવા માટે પણ અસમર્થ બની ગઈ. તેના આગળના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયાં હતાં, છાતીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને સતત જમીન પર પડ્યા રહેવાને કારણે શરીર પર ગંભીર ‘પ્રેસર સોર’ પડી ગયા હતા.

અનંત અંબાણીની પહેલ અને એરલિફ્ટ રેસ્ક્યૂ

માયાની આવી નાજુક સ્થિતિની જાણ થતાં જ વનતારાના સ્થાપક અનંત અંબાણીએ તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો.

કેરળના મુખ્ય વન્યજીવ વોર્ડન ડૉ. પી. પુગાઝેન્ડી (IFS) દ્વારા જરૂરી સ્થાનાંતરણ મંજૂરીઓ જારી કરાતાં જ, વનતારાની વિશેષ વેટરનરી રેસ્ક્યૂ ટીમને સક્રિય કરવામાં આવી. 6 નવેમ્બરના રોજ માયાને વિશેષ ચાર્ટર્ડ વ્યવસ્થા દ્વારા કેરળથી એરલિફ્ટ કરીને જામનગર સ્થિત વનતારા એલિફન્ટ હોસ્પિટલ લાવવામાં આવી.

નિષ્ણાતો દ્વારા રોગનું સચોટ નિદાન અને સારવાર

જામનગર વનતારા પહોંચતાં જ દેશના અગ્રણી પશુચિકિત્સકો દ્વારા તેનું ચેકઅપ કરવામાં આવ્યું. ડૉ. કુશળ કોંવર સરમા (પદ્મશ્રી એવોર્ડી) કે જેઓ હાથીઓના જાણીતા તજજ્ઞ છે. તેઓએ અને વનતારાના વેટરનરી એડવાઈઝરે પ્રાથમિક તપાસમાં ઓળખી કાઢ્યું કે માયાની હાડકાંની નબળાઈ પાછળ પેરાથાયરોઈડ (Parathyroid) ગ્રંથિ સંબંધિત દુર્લભ સમસ્યા જવાબદાર છે, જેનું યોગ્ય તબીબી નિદાન અને ઇલાજ શક્ય છે.

વનતારા એલિફન્ટ કેર સેન્ટરના હેડ વેટરનરી ડૉક્ટર યદુરાજ ખાડપેકરે પણ આ નિદાનને સમર્થન આપીને માયા માટે ખાસ ICU ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે.

24 કલાક સઘન સંભાળ

માયાને હાલ વનતારાના અત્યાધુનિક એલિફન્ટ હોસ્પિટલમાં 24×7 ઇન્ટેન્સિવ કેર (ICU) હેઠળ રાખવામાં આવી છે.

વનતારાના CEO વિવાન કરાનીએ જણાવ્યું કે, માયાએ પોતાની જિંદગીના દરેક એક દિવસ માટે સતત સંઘર્ષ કર્યો છે. હવે અમારી વારી છે કે અમે તેના માટે લડીએ. અમારી મેડિકલ ટીમ એક ક્ષણ માટે પણ તેનો સાથ નહીં છોડે.

વનતારાનો મુખ્ય ઉદ્દેશ્ય માયાને સંપૂર્ણ સ્વસ્થ કરી, તેના ફ્રેક્ચર રિકવર કરીને તેને ફરીથી નવી જિંદગી આપવાનો અને સ્વસ્થ બનાવી અભયારણ્યમાં મોકલવાનો છે.