Jamnagar News: ખંભાળિયામાં દાયકાઓથી સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી નીતિનભાઈ ગુસાણીએ એસિડ પી લીધું હતું. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરવા પાછળનું કારણ આર્થિક સંકળામણ હોવાનું હાલ જાણવા મળ્યું છે.
નીતિનભાઈ વૃજલાલ ગુસાણી ખંભાળિયામાં કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા હતા. તેમને સોની કામની દુકાન હતી અને તેમણે સોનાના કેટલાક ઓર્ડર લીધા હતા. તેમણે ઓર્ડર લીધા હતા એ દરમિયાન સોનાના ભાવમાં તોતિંગ વધારો થયો હતો. સોના ભાવ વધતા તેઓ થોડા સમયથી આર્થિક ખેંચ અનુભવી રહ્યાં હતા.
આ પરિસ્થિતિમાં નીતિનભાઈ ચિંતાગ્રસ્ત હાલતમાં મુકાઈ ગયા હતા અને આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેના કારણે તેમણે એસિડ ગટગટાવી લીધું હતું. તેમને ગંભીર હાલતમાં જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
નીતિનભાઈના પુત્ર કરણે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સોની વેપારીના આપઘાતથી સોની સમાજ અને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
