Devbhoomi Dwarka: જામ ખંભાળીયામાં વહેલી સવારથી લાઈનો લગાવવા છતાં પશુપાલકોને ઘાસ ન મળતા ઉગ્ર રોષ, પ્રશાસને આપી નવી ખાતરી

જામ ખંભાળિયામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર પર ભારે અવ્યવસ્થા સામે પશુપાલકોમાં રોષ ફેલાયો. વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા છતાં ઘાસ ન મળતાં હોબાળો થયો, બાદમાં તંત્રે નવા 2 ઘાસ ડેપો શરૂ કરવાની ખાતરી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 05 Sep 2026 03:36 PM (IST)Updated: Sat, 05 Sep 2026 03:36 PM (IST)
jam-khambhalia-fodder-distribution-protest-animal-keepers-anger-administration-assurance

Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા ઘાસચારા વિતરણ કેન્દ્ર પર ભારે અવ્યવસ્થા અને અરાજકતાના દ્રશ્યો સામે આવ્યા છે. જામ ખંભાળીયા તાલુકામાં હજારો પશુઓ માટે માત્ર એક જ વિતરણ કેન્દ્ર શરૂ કરાતા અને પશુપાલકોને વહેલી સવારથી બોલાવ્યા હોવા છતાં ઘાસચારો ન મળતા માલધારીઓમાં ભારે જનઆક્રોશ ભભૂક્યો છે. વિરોધ પ્રદર્શન અને હોબાળા બાદ આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને પરિસ્થિતિને થાળે પાડવા માટે તાત્કાલિક ધોરણે નવા કેન્દ્રો ખોલવાની ખાતરી આપી છે.

તંત્રના દાવાઓ સામે ભભૂકતો જનઆક્રોશ:

સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ અનુસાર દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જામ ખંભાળીયા તાલુકામાં દાંતા ગામે વન વિભાગના ઘાસ ગોડાઉન ખાતે વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર સરકારી તંત્ર અને સત્તાવાર દાવાઓ માત્ર કાગળ પર સાબિત થઈ રહ્યા છે.

સ્થાનિક પશુપાલક કિરીટભાઈએ વહીવટી તંત્રની ઘોર બેદરકારી પર રોષ ઠાલવતા જણાવ્યું કે, "અમે છેલ્લા 4 દિવસથી રોજ ઘાસ લેવા માટે ગોડાઉનના ધક્કા ખાઈ રહ્યા છીએ. સવારના 4 વાગ્યાથી ઉઠીને અમે લાઈનમાં ઊભા રહીએ છીએ પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર રહેતા નથી કે કોઈ યોગ્ય ઉત્તર આપતું નથી. જો તંત્ર પાસે ઘાસનો પૂરતો જથ્થો ન હોય, તો તેમણે ગોડાઉનની બહાર બોર્ડ મારી દેવું જોઈએ જેથી પશુપાલકો રોજ સવારે ધંધો-રોજગાર છોડીને અહીં હેરાન ન થાય."

એકમાત્ર કેન્દ્ર અને હજારો પશુઓનું સંકટ:

મળતી માહિતી મુજબ, સમગ્ર જામ ખંભાળીયા તાલુકામાં અંદાજે 6000 જેટલા પશુકાર્ડ નોંધાયેલા છે. આટલી મોટી સંખ્યા સામે પ્રશાસન દ્વારા માત્ર એક જ કેન્દ્ર દાંતા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. પશુપાલકોને 3 દિવસ પહેલા કુપન વિતરણ કરીને જે-તે દિવસે ઘાસ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ વહેલી સવારથી લાઈનો લગાવીને બેઠેલા સેંકડો માલધારીઓને છેલ્લી ઘડીએ ઘાસચારો ઉપલબ્ધ ન હોવાનું કહીને વિલા મોઢે પરત મોકલી દેવાયા હતા.

આ ઉપરાંત, આકરા તડકા વચ્ચે કેન્દ્ર પર પશુપાલકો માટે પીવાના પાણીની કે છાંયડાની કોઈ પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. વિશાળ 25 વીઘાની જગ્યા હોવા છતાં ગોડાઉનનો મુખ્ય ડેલો બંધ રાખવામાં આવતા માલધારીઓને રસ્તાના કાંઠે આકરા તડકામાં બેસવાની ફરજ પડી હતી.

રાજકીય નેતાઓ અને તંત્ર સામસામે:

પશુપાલકોની ગંભીર સમસ્યાને પગલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલ આંબલીયા તાત્કાલિક ધોરણે દાંતા ઘાસ ડેપો ખાતે દોડી આવ્યા હતા. તેમણે વહીવટી આયોજન પર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે, "કુપન આપતા પહેલા તંત્રએ ઘાસની ઉપલબ્ધતાનું આયોજન કરવું જોઈતું હતું. નિયમો અનુસાર દર 7 કિલોમીટરની ત્રિજ્યામાં કેન્દ્ર હોવું જોઈએ, જેની સામે આખા તાલુકા વચ્ચે એક જ ડેપો છે." તેમણે કલેક્ટર અને સરકારને વિનંતી કરતા તાત્કાલિક ધોરણે વધુ 3 થી 4 કેન્દ્રો શરૂ કરવા તેમજ પશુપાલકો માટે પાણી-છાંયડાની સુવિધા ઊભી કરવા માંગ કરી છે.

હોબાળા બાદ ઇન્ચાર્જ મામલતદાર વ્યાસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતો તથા માલધારીઓ સાથે ચર્ચા હાથ ધરી હતી. ટેલિફોનિક વાતચીતમાં પ્રશાસને જણાવ્યું હતું કે ઘાસચારો રસ્તામાં છે અને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન સાધીને ટૂંક સમયમાં પશુપાલકો સુધી પહોંચાડવામાં આવશે.

પ્રશાસનની નવી જાહેરાત

સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા આપતા જામ ખંભાળીયાના પ્રાંત અધિકારી એસ. એ. હેરમાએ જણાવ્યું હતું કે, "દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે. ખંભાળીયા તાલુકામાં હાલ દાંતા ખાતે વન વિભાગના ગોડાઉન પરથી વિતરણ ચાલુ છે. પશુપાલકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને છેવાડાના ગામો માટે તાલુકામાં અન્ય 2 જગ્યાએ નવા ઘાસ ડેપો ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં પણ જિલ્લામાં ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજાગ છે."