Jamnagar News: જામનગર શહેરવાસીઓ માટે એક અત્યંત રાહત અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. શહેરના જીઆઈડીસી નજીક આવેલી વ્યસ્ત લાલપુર બાયપાસ ચોકડી ઉપર ટ્રાફિક જામની કાયમી સમસ્યા તેમજ રખડતા ઢોર અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટેના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ડિસેમ્બર 2026 ના અંત સુધીમાં આ ત્રણેય પ્રોજેક્ટ્સનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ જશે અને તે જામનગરની જનતાને સમર્પિત કરવામાં આવશે.
સિક્સ લેન ફ્લાયઓવરથી ટ્રાફિકજામમાંથી મુક્તિ
શહેરના ભાગોડે આવેલા લાલપુર રોડ પરની લાલપુર બાયપાસ ચોકડી ઉપર રોજબરોજના ટ્રાફિક જામની ગંભીર સમસ્યા નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે આધુનિક સિક્સ લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની લંબાઈ 1 કિલોમીટરની છે. હાલ આ બ્રિજના અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે, જેમાં બ્રિજ ઉપર રંગરોગાન કરવાનું અને નીચેની બાજુએ સર્વિસ રોડ બનાવવાનું તેમજ લાઈટીંગનું કામ બાકી છે. ઇજનેરોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર અંત પહેલા આ તમામ કામો પૂર્ણ થઈ જશે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.
500 થી વધુ ગૌવંશની ક્ષમતા ધરાવતી આધુનિક ગૌશાળા
લાલપુર બાયપાસ અને નાઘેડી ગામ પાસે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આશરે રૂ. 3 કરોડના ખર્ચે નવી ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી ગૌશાળામાં 500 થી વધુ ગૌવંશ રહી શકે તેવી વિશાળ અને ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં મૂંગા પશુઓના પીવાના પાણી માટે અવેડા, ઘાસનું ગોડાઉન તેમજ માંદા અને બીમાર પશુઓની સારવાર માટે ખાસ આઈસોલેશન વિભાગ બનાવવામાં આવ્યો છે, જ્યાં 20 પશુઓને અલગ રાખીને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા છે.
એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર દ્વારા શ્વાનોની નસબંધી
ગૌશાળાની બાજુમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર' (ABC Center) તૈયાર થઈ ચૂક્યું છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, નવેમ્બર 2026 સુધીમાં આ સેન્ટરમાં કુલ 4,480 શ્વાનોની સફળતાપૂર્વક નસબંધી કરવામાં આવી છે. શ્વાનોને ઓપરેશન પહેલા અને પછી રાખવા માટે 350 પાંજરા, ડૉક્ટરો માટે ક્વાર્ટર્સ, એક સાથે પાંચ ઓપરેશન થઈ શકે તેવી સુવિધા, ઓપરેશન થિયેટર તેમજ એક્સ-રે રૂમ પણ તૈયાર થઈ ગયા છે. હાલ અહીં દૈનિક 40 જેટલા શ્વાનોની નસબંધી કરવાની ક્ષમતા સાથે તંત્ર દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેનાથી શહેરમાં શ્વાનોની સંખ્યા પર નિયંત્રણ આવશે.
