Jamnagar News: રાજ્યભરમાં ખાદ્ય સામગ્રીઓમાં કરવામાં આવતી ભેળસેળ અને નાગરિકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહેલા ચેડા સામે સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં SOGએ શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના વેપાર સામે કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન 486 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
486 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું
વોઇસ ઓવર - જામનગર SOGને બાતમી મળી હતી કે કાલાવડના હરિપર મેવાસા ગામમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો વેપાર કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે SOG PI વી.બી. રાઠોડની સૂચનાથી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મેરુ ભાદા વંશના કબજા ભોગવટાવાળા મકાનમાંથી આશરે 486 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલોગ્રામ વનસ્પતિ ઘી અને 44 કિલોગ્રામ દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.
નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. FSOની હાજરીમાં શંકાસ્પદ જથ્થાના જરૂરી નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા મુજબ શંકાસ્પદ જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
