ખીજડીયા પક્ષી અભયારણ્યમાં કાળી ડોકના ઢોંકનું રેકોર્ડ પ્રજનન, ગીર ફાઉન્ડેશને કરેલા રિસર્ચના રસપ્રદ તારણો

ગીર ફાઉન્ડેશનના સંશોધકોએ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કના ચાર સક્રિય માળાનો અભ્યાસ કર્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 25 Aug 2026 11:13 AM (IST)Updated: Tue, 25 Aug 2026 11:13 AM (IST)
jamnagar-khijadiya-bird-sanctuary-black-necked-stork-breeding-study-by-geer-foundation
Black-Necked Stork

Black-Necked Stork, Khijadiya Bird Sanctuary: ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનના સંશોધકોએ તાજેતરમાં જામનગર જિલ્લામાં આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક એટલે કે કાળી ડોકના ઢોંક (Ephippiorhynchus asiaticus) પક્ષી વિશે અભ્યાસ હાથ ધર્યો હતો.

જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ખીજડીયા પક્ષી અભયારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્ક (કાળી ડોક ઢોંક) માટે અત્યંત અનુકૂળ પ્રજનન સ્થળ છે. બ્લેક-નેક્ડ સ્ટોર્ક ભારતના સૌથી મોટા અને વિશિષ્ટ જળપક્ષીઓમાંનું એક છે. વન્યજીવ (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022 હેઠળ બ્લેક-નેક્ડ સ્ટોર્ક અનુસૂચિ (2) હેઠળ રક્ષિત પક્ષી છે.

આ અભ્યાસમાં કાળી ડોક ઢોંકપક્ષીનીપ્રજનનની નોંધપાત્ર સફળતા જોવા મળી. નિરીક્ષણ હેઠળના ચારેય માળામાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવ્યા હતા. અભ્યાસના તારણો દર્શાવે છે કે, રામસર સાઈટ તરીકે જાહેર થયેલુંખીજડીયા પક્ષી અભયારણ્ય કાળી ડોક ઢોક પક્ષીના બ્રિડિંગ માટે મહત્વનું સ્થળ છે.

પીઅર-રિવ્યૂડ આંતરરાષ્ટ્રીય જર્નલ Journal of Threatened Taxa માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જુલાઈ 2024 થી માર્ચ 2025 દરમિયાન ખીજડીયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કની વસ્તીની સ્થિતિ, પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર (Breeding ecology), માળાના સ્થળોની લાક્ષણિકતાઓ અને પ્રજનન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ગીર ફાઉન્ડેશનની સમગ્ર સંશોધન ટીમને અભિનંદન પાઠવું છું. આ અભ્યાસે બ્લેક-નેક્ડ ઢોંક પક્ષીનાં અદભૂત વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે. આ તારણોને આધારે આપણે આ પક્ષીનાસંરક્ષણ વિશે અસરકારક પગલાં લR શકીશુ.”

આ સંશોધન ગીર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નીતા સોલંકી, અમિતકુમાર નાયક અને બી.પી. પતી દ્વારા કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારેખીજડીયા પક્ષી અભયારણ્ય સહિત રાજ્યના અમૂલ્ય કુદરતી વારસાના સંરક્ષણ માટે અનેક પગલાં લીધાં છે.”

બ્લેક-નેક્ડ સ્ટોર્કના પ્રજનન વિશે નવી જાણકારી

બ્લેક-નેક્ડ સ્ટોર્ક ઓછી સંખ્યામાં જોવા મળતા પ્રજનન વસ્તી માટે જાણીતું છે. ગુજરાતમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર લાંબા સમયથી આ પક્ષી માટે મહત્વપૂર્ણ રહેઠાણ તરીકે ઓળખાય છે. જોકે, તેના પ્રજનન અંગે આપણી પાસે ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતીએ (IFS) જણાવ્યું કે, “સંશોધકોએ અભયારણ્યના આઠ મેનેજમેન્ટ ઝોનમાં ફેલાયેલા 48 જિયો રેફરન્સ્ડ સેમ્પલિંગ પોીન્ટનો ઉપયોગ કરીને વ્યાપક ક્ષેત્ર સર્વે હાથ ધર્યો હતો. અભ્યાસમાં માળાનું નિરીક્ષણ, વર્તણૂકનું અવલોકન અને તેના રહેઠાણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ દરમિયાન 320 કલાકથી વધુના અવલોકનના આંકડા એકત્ર કરવામાં આવ્યા હતા.”

બી.પી પતીએ વધુમાં જણાવ્યું કે, “અભ્યાસમાં સૌથી નોંધપાત્ર બાબત એ જાણવા મળી કે, અભ્યાસ હેઠળના બ્લેક-નેક્ડ સ્ટોર્કના ચાર સક્રિય માળામાં, દરેક માળામાં એક પ્રજનન જોડી હતી અને દરેક જોડીએ સફળતાપૂર્વક બે બચ્ચાં ઉછેર્યાં હતાં. આમ, ચાર માળામાં કુલ આઠ બચ્ચા નોંધાયા હતા. આ ઉપરાંત, નિયમિત રીતે જોવા મળતા પાંચ બિન-પ્રજનન પુખ્ત પક્ષીઓ સહિત અભ્યાસના સમયગાળા દરમિયાન આ પક્ષીની સંખ્યા 21 થી વધુ નોંધાઈ.”

સંશોધનમાં જાણવા મળ્યું કે, બ્લેક-નેક્ડ સ્ટોર્કે ચારેય માળાઓ ગાંડા બાવળના વૃક્ષો પર બાંધ્યા હતા. આ માળા જમીનથી ત્રણથી 4.5 મીટરની ઊંચાઈએ હતા. સામાન્ય રીતે બ્લેક-નેક્ડ સ્ટોર્ક મોટા કદની સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓ પર માળા બાંધે છે. જોકે, આ અભ્યાસમાં જાણવા મળ્યું કે. જ્યાં સ્થાનિક માળા બાંધવા યોગ્ય વૃક્ષો ન હોય ત્યાં ગાંડા બાવળ જેવા વૃક્ષો પર પણ માળા બનાવે છે.

બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે ખીજડીયા મહત્વનું સ્થળ

અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે, “આ સંશોધન બ્લેક-નેક્ડ સ્ટોર્કના રહેઠાણના પરિસ્થિતિક મહત્વને પણ વધુ મજબૂત બનાવે છે. બ્લેક-નેક્ડ સ્ટોર્કને જીવવા અને પ્રજનન કરવા માટે માત્ર પાણી પૂરતું નથી. તેના સફળ પ્રજનન માટે યોગ્ય ખોરાક મેળવવાના વિસ્તાર, જળચર શિકાર, માળા બાંધવા યોગ્ય વૃક્ષો, છીછરું પાણી, વનસ્પતિ અને પ્રમાણમાં ઓછા માનવીય વિક્ષેપવાળા વિસ્તાર જરૂરી છે.”

ડો. જયપાલ સિંહે ઉમેર્યું કે, “ચારેય માળાના સ્થળોની વિશેષતા ખાસ કરીને છીછરું પાણી, જળસપાટી પરથી વનસ્પતિ, ઊંચા સ્થળ અને ઓછો વિક્ષેપ આવાસ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સંકેત આપે છે. આ પરિસ્થિતિઓ જાળવી રાખવી ખીજડિયામાં આ પ્રજાતિની પ્રજનન વસ્તી જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”

ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક અમિતકુમાર નાયકે જણાવ્યું કે, “માળાના તમામ સ્થળોમાં કેટલીક સામાન્ય પરિસ્થિતિક વિશેષતા જોવા મળી હતી. તમામ માળા 0.3થી 0.7 મીટરની ઊંડાઈ ધરાવતા છીછરા પાણીવાળા વિસ્તારની નજીક હતા અને તેમની આસપાસ ખુલ્લું પાણી, જળસપાટી પરથી વનસ્પતિ તથા ઊંચાણવાળા વિસ્તાર હતો. આ પરિસ્થિતિઓ માછલી, ઉભયજીવી, ક્રસ્ટેશિયન અને જળચર અપૃષ્ઠવંશી જીવો સહિત પૂરતા ખોરાક સ્ત્રોતો પૂરા પાડે છે, જે પ્રજનન કરતા પક્ષીઓ અને મોટા થતાં બચ્ચાં માટે આવશ્યક છે.”

સંશોધકોએ નોંધ્યું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ પક્ષીના વર્તણૂકમાં ફેરફાર સાથે પ્રજનન પ્રવૃત્તિ શરૂ થાય છે અને ત્યારબાદ ઓક્ટોબરની શરૂઆતમાં માળા બાંધવાની પ્રક્રિયા શરૂ થાય છે. ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત દરમિયાન ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે જ્યારે ડિસેમ્બર સુધી બચ્ચાના ઉછેરની સઘન પ્રક્રિયા ચાલુ રહે છે. વર્ષના અંત સુધીમાં બચ્ચા માળામાંથી બહાર નીકળી જતાં પ્રજનન ચક્ર પૂર્ણ થાય છે.

પક્ષીની માતા-પિતા તરીકે મજબૂત જવાબદારી

ગીર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિક અને અભ્યાસના એક લેખક ડૉ. સંદીપ મુંજપરાએ જણાવ્યું કે, “અભ્યાસમાં આ પ્રજાતિ દ્વારા નિભાવવામાં આવતી મજબૂત પિતૃત્વની જવાબદારી જાણવા મળી. આ પક્ષીના 89 નિરીક્ષણ અને મુલાકાતો દરમિયાન અમે નોંધ્યું કે, પુખ્ત સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહે છે. ખોરાક મેળવવા માટેની નોંધાયેલી 94 ટકા ઉડાનમાં એક માતા-પિતા પક્ષીએ માળા પર બીજા પક્ષીનું સ્થાન લીધું હતું. આ બાબત પિતૃ દ્વારા અત્યંત સંકલિત રીતે બચ્ચાની સંભાળ રાખવામાં આવતી હોવાનું દર્શાવે છે. આવા વર્તનથી ઈંડાં અને બચ્ચાનું સતત રક્ષણ અને સંભાળ સુનિશ્ચિત થાય છે.”

મહત્વપૂર્ણ બાબત એ છે કે, માળાના નિરીક્ષણના સમયગાળા દરમિયાન સંશોધકોએ માળા ત્યજી દેવાની, શિકારી પ્રાણીઓ દ્વારા હુમલો થવાની અથવા બચ્ચાના મૃત્યુની એકપણ ઘટના નોંધાઈ નહોતી. ચારેય માળામાંથી બચ્ચા સફળતાપૂર્વક બહાર આવ્યા હતા, જેના પરિણામે 100 ટકા ફ્લેજિંગ સફળતા દર નોંધાયો હતો. અભ્યાસ અનુસાર, આટલી ઊંચી પ્રજનન સફળતા ભારતના અન્ય વિસ્તારમાં થયેલા અવલોકનની સરખામણીએ નોંધપાત્ર છે. અહીં માળામાંથી બચ્ચા સફળતાપૂર્વક બહાર આવવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

માળામાંથી બહાર આવ્યા બાદના અવલોકનોમાં જાણવા મળ્યું કે સ્ટોર્કના બચ્ચાઓ માળા છોડ્યા પછી તેમના માતા-પિતા પર નિર્ભર રહેતા હતા. ખોરાક માટેની અનેક વિનંતીઓ અને માતા-પિતા દ્વારા બચ્ચા સાથે ખોરાક વહેંચવાની ઘટનાઓ સંશોધકોએ નોંધી હતી. આ બાબત, લાંબા સમય સુધી પિતૃસંભાળ અને સ્વતંત્ર રીતે ખોરાક મેળવવાની ક્ષમતાના ક્રમશઃ વિકાસ તરફ સંકેત કરે છે.

વન વિભાગના સંરક્ષણ પ્રયાસો સફળ થયા

અભયારણ્યમાં પ્રમાણમાં સ્થિર જળ પરિસ્થિતિ. વિપુલ પ્રમાણમાં શિકાર અને ખોરાકની ઉપલબ્ધતા અને માનવીય વિક્ષેપનું ઓછું પ્રમાણ આ પ્રજનન સફળતામાં મહત્વપૂર્ણ પરિબળો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા સંરક્ષણના પગલાઓને કારણે અનેક પ્રજાતિના પક્ષીઓ અહીં સુખેથી રહે છે.