Junagadh: સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી, રાજકોટથી બે શખ્સોને દબોચ્યા

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. રાજકોટના બે આરોપીઓની ધરપકડ કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jul 2026 07:44 PM (IST)Updated: Tue, 14 Jul 2026 07:44 PM (IST)
junagadh-news-2-held-for-teasing-tiger-in-sakkarbaug-zoo-after-cctv-footage-viral

Junagadh: જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ગંભીર ઘટનાને વન વિભાગે ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લીધા છે.

ગત તા. 12 જુલાઈ 2026 ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરવામાં આવી હતી, જેનો વીડિયો તા. 13 જુલાઈ 2026 ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાથી પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. આ મામલે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક રાજદીપસિંહ ઝાલાએ ગુનાની ગંભીરતા સમજી તુરંત તપાસના આદેશ આપ્યા હતા.

નિયામકના માર્ગદર્શન હેઠળ તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મદદનીશ નિયામક અને ક્યુરેટર રાજલબેન ડી. પાઠક, પરીક્ષેત્ર વન અધિકારીએલ. એચ. સુત્રેજા તેમજ અન્ય વનરક્ષક સ્ટાફ અને નેત્રમ શાખાની મદદ લેવામાં આવી હતી. આ ટેકનિકલ તપાસ અને સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

વન વિભાગે તપાસના અંતે બે આરોપીઓની તા. 13 જુલાઈ 2026 ના રોજ અટકાયત કરી છે: શિરોડીયા દેવાભાઈ નાગજીભાઈ (ઉ.વ. 43, રહે. બોડી ઘોડી, તા. પડધરી, જી. રાજકોટ). શિરોડીયા બાબુલાલ ભીમાભાઈ (ઉ.વ. 35, રહે. બોડી ઘોડી, તા. પડધરી, જી. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા બંને આરોપીઓ સામે 'વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972' ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વન વિભાગ દ્વારા કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.