Vadodara: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટી ગણાતા વડોદરાના રસ્તાઓની બિસ્માર હાલત થવા લાગી છે. સામાન્ય વરસાદ બાદ શહેરના આંતરિક માર્ગો પર કાદવ-કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં શહેરના આજવા રોડ પર કાદવ-કીચડને કારણે એક મહિલાએ પોતાની સ્કૂટર પરથી કાબૂ ગુમાવતા કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કાદવ-કિચડના કારણે માતા-પુત્ર ફંગોળાયા
આ કંપારી છૂટી જાય તેવી ઘટના આજવા રોડ વિસ્તારમાં આવેલી લકુલેશ નગર સોસાયટીની છે. સોસાયટીના આંતરિક માર્ગ પર પાણી અને ચીકણી માટીનો કાદવ જામી ગયો હતો. આ દરમિયાન એક મહિલા પોતાના માસૂમ બાળકને સ્કૂટર પર બેસાડીને સ્કૂલે મૂકવા જઈ રહી હતી. લકુલેશ નગરમાંથી પસાર થતી વખતે કાદવના કારણે અચાનક સ્કૂટર સ્લિપ થઈ ગયું હતું.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, સ્કૂટર સ્લિપ થતાં જ પાછળ બેસેલું નાનું બાળક હવામાં ફંગોળાઈને સીધું બાજુની દીવાલ સાથે જોરભેર અથડાયું હતું. જ્યારે મહિલા પણ વાહન પરથી નિયંત્રણ ગુમાવીને રોડ પર આશરે 15 ફૂટ દૂર જઈને કીચડમાં પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો બાળકની વહારે તાત્કાલિક દોડી આવ્યા હતા.
કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ
આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકા ની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોની સાથે સોસાયટીઓના આંતરિક રસ્તાઓ અત્યંત બિસ્માર અને જોખમી બની ગયા છે. સ્થાનિક રહીશોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાલીઓ અને વાહનચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો
ચોમાસાની ઋતુમાં આવા કાદવ અને પાણીથી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખાસ કરીને નાના બાળકોને વ્હીકલ પર બેસાડીને જતા વાલીઓએ વાહનની ગતિ અત્યંત ધીમી રાખવી જોઈએ, જેથી અણધારી આફત અને અકસ્માતથી બચી શકાય.
