Jamnagar Car Accident: જામનગર-કાલાવડ હાઈવે પર અલીયાબાડા ગામના પાટિયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે કાર પુલ સાથે અથડાઈને માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર જાડેજા પરિવારની 2 મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે બાળકો સહિત અન્ય 6 લોકો ઘાયલ થયા હતા.
મળતી વિગતો મુજબ, ઈકો કારમાં જાડેજા પરિવારના કુલ 8 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતાબંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. નવા વર્ષના પાવન દિવસે જ પરિવારના 2 સભ્યો ગુમાવતા જાડેજા પરિવારમાં ગમગીની અને ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 19 વર્ષીય પ્રિયંકાબા અજીતસિંહ જાડેજા, 50 વર્ષીય રંજનબા અજીતસિંહ જાડેજા, 3 વર્ષીય બાળકી મણિયાતાબા મયુરસિંહ જાડેજા અને 7 વર્ષીય બાળક સ્વંદીપસિંહ મયુરસિંહ જાડેજા સહિત કુલ 6 મુસાફરોનો સમાવેશ થાય છે. ઘટના બનતા જ આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બનાવ અંગે જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને અકસ્માત અંગે ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
