Jalaram Bapa 227th Birth Anniversary: જામનગરમાં પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે ગૌસેવા, થેલેસેમિયા નિદાન કેમ્પ સહિત સેવાકીય કાર્યક્રમો યોજાયા છે. જામનગરના વિવિધ જલારામ મંદિરોએ હજારો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જ્ઞાતિમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
સેવાકાર્યો સાથે પાવન પર્વની ઉજવણી
જામનગર શહેરમાં વર્ષ 1999 થી જલારામ બાપાની જન્મજયંતિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારતક સુદ સાતમ અને સોમવારના પવિત્ર સંયોગે બાપાની 227 મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ગૌમાતાને લીલું ઘાસ અને લાડુનું વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્ઞાતિજનોના આરોગ્યની ચિંતા સાથે થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રઘુવંશી લોહાણા જ્ઞાતિના અંદાજે 20થી 25 હજાર ભાઈ-બહેનો સમૂહ પ્રસાદનો લાભ લેશે.
હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
સાંજે હાપા જલારામ મંદિર ખાતે 10 થી 15 હજાર અને સાધના કોલોની જલારામ મંદિર ખાતે 8 થી 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક આસ્થા સાથે સેવાકાર્યો અને સમૂહ પ્રસાદના આ આયોજનથી જામનગરમાં જલારામ જયંતિનો ઉત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે.
