Jamnagar: 'બ્રાસ સિટી' જામનગરમાં યુદ્ધના પડઘાઃ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાતને બ્રેક લાગી

દરિયાઈ માર્ગે આવતા બ્રાસ ભંગારના તમામ શિપને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવ્યા છે અથવા તો તેમને જુબેલ અલી જેવા અન્ય સેફ (સુરક્ષિત) બંદરો તરફ વાળી દેવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Mar 2026 06:53 PM (IST)Updated: Tue, 10 Mar 2026 06:53 PM (IST)
jamnagar-iran-israel-war-triggers-crisis-for-brass-manufacturers-scrap-imports-halted
HIGHLIGHTS
  • ભાવો આસમાને પહોંચવાની ભીતિથી ઉદ્યોગના પૈડાં થંભી જવાના એંધાણ

Jamnagar: જેને સમગ્ર ભારતમાં ’બ્રાસ સિટી’ તરીકેની ગૌરવવંતી ઓળખ મળેલી છે, તે જામનગર શહેર પર હાલ વૈશ્વિક યુદ્ધની ઘેરી અને વિપરીત અસરો જોવા મળી રહી છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ વૈશ્વિક અશાંતિનો સીધો ફટકો જામનગરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને પડ્યો છે.

બ્રાસના ઉત્પાદન માટે અત્યંત જરૂરી એવા કાચા માલ એટલે કે બ્રાસના ભંગારની આયાત પર અચાનક જ મોટી બ્રેક વાગી ગઈ છે. વિદેશથી આયાત થતા ભંગારના ક્ધટેનરો ભરેલા તમામ શિપ દરિયાની વચ્ચે જ ફસાઈ જવાના કારણે જામનગરમાં ભંગારની ભારે અછત સર્જાવા પામી છે, જેનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતાં જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ જણાવ્યું કે, યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો મોટો ખતરો ઉભો થયો છે. આ જોખમને ટાળવા માટે સમુદ્ર કિનારે આવતા બ્રાસ ભંગારના તમામ શિપને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવ્યા છે અથવા તો તેમને જુબેલ અલી જેવા અન્ય સેફ (સુરક્ષિત) બંદરો તરફ વાળી દેવામાં આવ્યા છે.

શિપિંગ કંપનીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી, માલવાહક જહાજો અટવાઈ ગયા છે. આ અણધારી સ્થિતિના કારણે જામનગરના કારખાનાઓ સુધી પહોંચતો કાચો માલ રાતોરાત અટકી ગયો છે અને ઉદ્યોગકારો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

જામનગરના બ્રાસ ઉદ્યોગનું અર્થતંત્ર મહદઅંશે આયાતી ભંગાર પર જ નિર્ભર કરે છે. આંકડાકીય માહિતી મુજબ, આ ઉદ્યોગને ધમધમતો રાખવા માટે નિયમિત ધોરણે કાયમી આશરે 600 થી 700 ટન બ્રાસ ભંગારની જંગી જરૂરિયાત રહે છે. આ કુલ જરૂરિયાતમાંથી અંદાજે 70 ટકા જેટલો ભંગાર વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જ્યારે માત્ર બાકીના 30 ટકા જેટલા સ્થાનિક કે અન્ય ભંગાર પર આ ઉદ્યોગ નિર્ભર છે.

આટલા મોટા પાયે આયાત પર આધારિત આ ઉદ્યોગમાં જો 70 ટકા કાચા માલનો સપ્લાય અચાનક ખોરવાઈ જાય, તો તેની સીધી અસર ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર પડવી સ્વાભાવિક છે. અત્યારે આ જ કારણસર કારખાનાઓમાં કાચા માલની તીવ્ર ખેંચ ઉભી થઈ છે.

હાલની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારો માત્ર એક જ આશાના કિરણ પર નભી રહ્યા છે. અત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ માત્ર એ જ ક્ધટેનરો પર નિર્ભર છે, જે યુદ્ધની સ્થિતિ વણસી તે પહેલાંથી જ ભારતના અલગ અલગ બંદરો પર આવી પહોંચ્યા છે, અને ત્યાંથી જામનગર આવવા માટે પ્રતીક્ષામાં પડેલા છે. આ સિવાય વિદેશથી આવતા તમામ નવા ક્ધટેનરો અને શિપિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. બંદરો પર પડેલો આ સીમિત જથ્થો પણ બહુ લાંબો સમય ચાલી શકે તેમ નથી.

જો આગામી થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ થાળે નહીં પડે અને નવો માલ નહીં આવે, તો ઉત્પાદકો પાસે કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. જામનગરનો બ્રાસ ઉદ્યોગ પહેલાથી જ કાચા માલના ભાવોમાં સતત થઈ રહેલા ઉછાળા અને મોંઘવારીનો આકરો સામનો કરી રહ્યો હતો. તેમાં હવે આ યુદ્ધરૂપી પડ્યા પર પાટું સમાન સ્થિતિ નિર્માણ પામી છે.

ભંગારની આયાત ફરી એકવાર અનિશ્ચિત સમય માટે બંધ થતા બજારમાં માલની અછત સર્જાઈ છે, જેના પરિણામે બ્રાસ ભંગારના ભાવો આસમાને પહોંચી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જો ભાવો આમ જ વધતા રહેશે અને કાચો માલ નહીં મળે, તો જામનગરના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ બ્રાસ ઉદ્યોગના પૈડાં સંપૂર્ણપણે થંભી જવાની અટકળોએ જોર પકડ્યું છે, જે હજારો કામદારો અને વેપારીઓની આજીવિકા પર મોટું સંકટ લાવી શકે છે.