Jamnagar News: જામનગરમાં યોજાયેલા 'શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ'ના આયોજકોએ આ વર્ષે 9મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો અનોખો પ્રયાસ કર્યો છે. 'મેદસ્વિતા મુક્ત ગુજરાત'ની થીમ હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતા ઘટાડવા અને 10 ટકા તેલનો ઓછો ઉપયોગ કરવાના સંદેશને પ્રસારિત કરવાના હેતુથી, 10 કિલો તેલીબિયાંનો ઉપયોગ કરીને 5.5 ફૂટ ઊંચી ગણપતિજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આયોજક ભરતસિંહ પરમારે ગુજરાત સરકાર દ્વારા 'શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025'નું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
જામનગર શહેરના બેડી ગેઇટ, કડિયા બજાર રોડ પર 'શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ' માં છેલ્લા 29 વર્ષથી વિવિધ થીમ પર એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી, લોકજાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહ્વાન કરાયું છે, જે વાતને આ ગણેશ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. અને વિવિધ તેલીબિયાંની થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ વપરાશ 10 ટકા ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા તથા લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને 'મેદસ્વીતા મુક્ત ગુજરાત'ના સુત્રને ધ્યાને લઇ ગણપતિજીની મૂર્તિની બનાવટમાં સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, સીંગદાણા, રાયડો, સૂરજમુખી, નારીયેળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે ગણપતિજીને વિવિધ તેલીબિયાના સૌથી વધુ ત્રણ મુગટ પહેરાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાવ્યું છે.

એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધરિત ગણેશ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી ૮ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. અને આ વખતે 9 મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ આ અદ્ભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણપતિજી વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે તે મુજબ જ 11માં દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
એઈટ વન્ડર્સ ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમાર જણાવે છે કે, શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા 29 વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. વડાપ્રધાનએ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી 10 ટકા તેલ ઓછું ખાવા માટે જણાવ્યું હતું તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતા અલગ અલગ તેલીબિયાંનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે. ગત વર્ષોમાં અમારી ટીમ દ્વારા ૮ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતા. આ વર્ષે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે.
ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025' નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે પણ ભાગ લીધો છે. આ પહેલ બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
મૂર્તિની વિશેષતા
- 10 પ્રકારના 10 કિલો તેલીબિયાંનો ઉપયોગ
- 5.5 ફૂટની ઉંચાઈ
- મૂર્તિ બનાવવામાં 15 લોકોની જહેમતથી 1 મહિનાનો સમય લાગ્યો
- તેલીબિયામાંથી મૂર્તિ, મૂષક સહીત ૩મુગટ બનાવી 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ
- 'મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન તથા ફિટનેસનો સંદેશો લોકો સુધી પહોચે તે હેતુથી મૂર્તિની સ્થાપના