જામનગરમાં ભાજપની ભવ્ય જીતઃ જૂના મનભેદ ભૂલાયા, રિવાબા જાડેજા અને પૂનમ માડમ એકબીજાને ખુશીથી ભેટી પડ્યા

બે વર્ષ પૂર્વે 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમમાં રિવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચે તુંતું-મેંમે થઈ હતી. જે બાદ લોકસભામાં ભાજપે પૂનમ માડમને ટિકિટ આપતાં રિવાબાએ અભિનંદન પાઠવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 10:34 PM (IST)Updated: Tue, 28 Apr 2026 10:34 PM (IST)
jamnagar-election-results-2026-rivaba-jadeja-and-poonam-madam-hug-after-results
HIGHLIGHTS
  • જામનગર મનપાની 64 પૈકી 60 બેઠકો પર ભાજપનો વિજય
  • લાલપુર તાલુકા પંચાયતમાં 10 બેઠકો જીતી AAPએ બહુમતી મેળવી

Jamnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપનો ઐતિહાસિક વિજય જોવા મળી રહ્યો છે. જામનગર મનપા, જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું છે, ત્યારે પરિણામ સમયે ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ એકબીજાને ગળે ભેટ્યા તે દ્રશ્યએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.

હકીકતમાં આજથી બે વર્ષ પુર્વે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગરમાં 'મારી માટી, મારો દેશ' નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં રિવાબા જાડેજા મેડર બીના કોઠારી પર ગુસ્સે થઈ ગયા હતા.

આ સમયે સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતાં રિવાબાએ તેમને રોકડું પરખાવ્યું હતું કે, સળગાવવા વાળા પણ તમે જ છો, તો હવે ઠારવાનો પ્રયાસ ના કરશો. જે-તે સમયે જામનગર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિવાદ બાદ લોકસભા ચૂંટણી વખતે ભાજપ દ્વારા પૂનમ માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા. આ સમયે પણ રિવાબા જાડેજા પૂનમ માડમને શુભકામના પાઠવવા પહોંચ્યા હતા અને તેમને ગળે ભેટીને અભિનંદન આપ્યા હતા.

જો આજના પરિણામોની વાત કરીએ તો, જામનગર મહાનગર પાલિકાની 64 પૈકી 60 બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો છે. જ્યારે લાલપુર અને જામજોધમપુર જેવી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ હાજરી નોંધાવી છે.

જેમાં જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપે 11 અને આમ આદમી પાર્ટીએ 7 બેઠકો જીતી પોતાની મજબૂત હાજરી નોંધાવી. જ્યારે લાલપુર તાલુકા પંચાયતમાં સૌથી ચોંકાવનારું પરિણામ આવ્યું, જ્યાં આમ આદમી પાર્ટીએ 18માંથી 10 બેઠકો જીતી સીધી બહુમતી મેળવી. અહીં ભાજપને 6, કોંગ્રેસને 1 અને અપક્ષને 1 બેઠક પર સમાધાન કરવું પડ્યું.

જિલ્લામાં એકમાત્ર સિક્કા નગરપાલિકા એવી રહી જ્યાં કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી. કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો પર વિજય મેળવ્યો. ભાજપને 9 બેઠકો મળી, જ્યારે AIMIM એ 3 બેઠકો જીતીને આ નગરપાલિકામાં પ્રવેશ કર્યો.

આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યુંઃ રિવાબા જાડેજા

ચૂંટણી પરિણામ બાદ રિવાબા જાડેજાએ જામનગરની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, એક વોર્ડ જે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, તેમાં પરિવર્તનની લહેર જોવા મળી છે અને વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે. જ્યાં ભાજપના ચારે ઉમેદવારોએ જંગી લીડ સાથે જીત મેળવી છે.

કાર્યકર્તાઓની દિવસ-રાતની મહેનત રંગ લાવીઃ પૂનમ માડમ
જ્યારે જામનગર સાંસદ પૂનમ માડમે જણાવ્યું કે, જામનગર મહાનગર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

PM મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી અને સકારાત્મક રાજનીતિ પર અતૂટ વિશ્વાસ મૂકીને જનતાએ જે ઐતિહાસિક વિજયના આશીર્વાદ આપ્યા છે, તે બદલ હું સૌનr ઋણી છું. આ સાથે જ, પાર્ટીના તમામ કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ હું અભિનંદન પાઠવું છું, જેમની રાત-દિવસની અથાગ મહેનત રંગ લાવી છે.