સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાતા PM મોદીએ જનતાનો આભાર માન્યો, કહ્યું- 'ગુજરાત અને ભાજપ વચ્ચેના સબંધો વધુ ગાઢ બન્યા'

આ માત્ર વિજય નથી, પરંતુ ભાજપ પર જનતાનો અતૂટ ભરોસો છે. ગુજરાતની જનતા હોંશિયાર છે, જેમણે ખરા સમયે લોકોને વ્યવસ્થિત જવાબ આપીને બતાવી દીધુ કે તેઓ કોણ છે: હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 09:46 PM (IST)Updated: Tue, 28 Apr 2026 09:46 PM (IST)
gujarat-local-body-poll-results-2026-pm-modi-amit-shah-thank-voters-after-bjp-sweeps-all-15-corporations
HIGHLIGHTS
  • ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું કે, ગુજરાતની જનતાનો ભાજપ પર દ્રઢ ભરોસોઃ અમિત શાહ

Gujarat Local Body Poll Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે.

વિધાનસભાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને લઈને વડાપ્રધાન મોદીએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાત અને ભાજપ વચ્ચેના સબંધ વધારે ગાઢ બન્યાઃ મોદી

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ જીત સાથે ગુજરાત અને ભાજપ વચ્ચેના સબંધ વધારે ગાઢ અને અતૂટ થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો આભાર.

રાજ્ય સરકારના જન-કેન્દ્રીત અને વિકાસલક્ષી કાર્યોને સ્વીકૃતિ આપતા ગુજરાતની જનતાએ ફરી એકવાર સુશાસનની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે, જનતાએ ભાજપ દ્વારા વર્ષોથી કરવામાં આવેલા અથાક પ્રયત્નોને પોતાના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા છે.

હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, આગામી સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરીશું અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.

ભાજપ પર ગુજરાતની જનતાનો ભરોસો કાયમઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી પરિણામને લઈને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જનતા દ્વારા ભાજપને આપવામાં આવેલો પ્રચંડ જનાદેશ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, પ્રદેશની સેવા અને વિકાસ માટે જનતાનો ભરોસો ભાજપ પર દૃઢપણે કાયમ છે.

છેલ્લા 3 દાયકાથી ગુજરાતની જનતાએ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને ભાજપના વિકાસ મોડેલ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ જીતની જીતની સાથે સૌની જવાબદારી પણ વધી છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટે આદરેલા આ યજ્ઞમાં હંમેશા નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધતા અને જવાબદેહી સાથે સેવારત રહેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા થયેલા ભાજપા ઉમેદવારોને હિમાયત પણ કરી હતી.

આ જીત માત્ર ભાજપની નહીં, વિકાસની અને ગુજરાતની છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચૂંટણી પરિણામને લઈને તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતને 3 દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. ગરીબ, યુવાન, અન્નદાતા, નારીશક્તિ સહિત સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. વિકાસની આ જ રાજનીતિના કારણે જનતાનો વિશ્વાસ અવિરત ભાજપા પર રહ્યો છે. આ જીત માત્ર ભાજપની નહીં, આ જીત વિકાસની છે, આ જીત ગુજરાતની છે.

આ માત્ર વિજય નથી, ભાજપ પર જનતાનો અતૂટ વિશ્વાસ છેઃ હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાજપના પ્રચંડ જીત બદલ કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું કે, આ માત્ર વિજય નથી, પરંતુ ભાજપ પર જનતાનો અતૂટ ભરોસો છે. ગુજરાતની જનતા હોંશિયાર છે, જેમણે ખરા સમયે લોકોને વ્યવસ્થિત જવાબ આપીને બતાવી દીધુ કે તેઓ કોણ છે. આજની જીત સાથે જ ગુજરાતને બદનામ કરનારાઓને સબક મળી ગયો છે.

જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની જનતા અને પાર્ટીને જીતાડવા માટે તનતોડ મહેનત કરનારા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.