જામનગરના 300 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ, માંગમાં 80 ટકા સુધીનો ઘટાડો; જાણો શું છે કારણ?

જામનગરનો 300 વર્ષ જૂનો બાંધણી ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 19 May 2026 06:20 PM (IST)Updated: Tue, 19 May 2026 06:20 PM (IST)
jamnagar-bandhani-industry-recession-demand-dropped-due-to-global-crisis-impact
HIGHLIGHTS
  • જામનગરના બાંધણી ઉદ્યોગમાં મંદી
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર

Jamnagar Bandhni Industry: સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરની શાન અને સદીઓથી દેશ-વિદેશમાં પ્રખ્યાત એવો 300 વર્ષ જૂનો બાંધણી ઉદ્યોગ હાલમાં સૌથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. વર્તમાન વૈશ્વિક કટોકટી અને ઈરાન તથા ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના ભૌગોલિક-રાજકીય તણાવે આ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાની અસર

આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા સર્જાતા પેટ્રોલિયમ પેદાશો અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો થયો છે. આ ભાવ વધારાની નકારાત્મક અસર બાંધણી બનાવવા માટે જરૂરી કાચા કાપડ અને કલર કેમિકલના ભાવો પર પડી છે, જેનાથી ઉત્પાદન ખર્ચ બેફામ વધ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા સાડા ત્રણ દાયકામાં બાંધણી ઉદ્યોગમાં આવી ડરામણી અને અકલ્પનીય મંદી ક્યારેય જોવા મળી નથી.

માંગમાં 70 થી 80 ટકાનો તોતિંગ ઘટાડો

ઉત્પાદન ખર્ચ વધવા છતાં ગ્રાહકો ઊંચા ભાવો ચૂકવવા તૈયાર ન હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં બાંધણીની માંગમાં 70 થી 80 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. જે કાચો માલ અગાઉ રોજેરોજ આવતો હતો તે હવે 15 થી 20 દિવસે એકવાર આવે છે. પરિણામે વેપારીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

naidunia_image

કારીગરો અને શ્રમિકોની હાલત કફોડી

આર્થિક મંદીની સૌથી હૃદયદ્રાવક અસર બાંધણી ઉદ્યોગના પાયા સમાન લાખો શ્રમિકો અને ખાસ કરીને ગ્રામીણ મહિલા કારીગરો પર પડી છે. જામનગર જિલ્લામાં દોઢ લાખથી વધુ શ્રમિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે.

મહિલાઓ ઘરકામમાંથી નવરાશના સમયમાં બાંધણીની કલાત્મક ગાંઠો બાંધી પરિવારને આર્થિક મદદ કરતી હતી. પરંતુ હાલ બજારમાં કામ ન મળતા આ પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. મોંઘવારી વધવા છતાં આજે પણ તેમને એક દુપટ્ટાના વર્ષો જૂના દર મુજબ માત્ર 30 રૂપિયા જ મળે છે, જેના કારણે અનેક કારીગરો નિરાશ થયા છે.

સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ

જામનગરની આ અદ્વિતીય હસ્તકલા અને તેના પર નિર્ભર લાખો પરિવારોને બચાવવા માટે હવે સ્થાનિક વેપારીઓ અને કારીગરો રાજ્ય તથા કેન્દ્ર સરકાર પાસે આશાની મીટ માંડી રહ્યા છે. સદીઓ જૂની આ સાંસ્કૃતિક ધરોહરને લુપ્ત થતી અટકાવવા માટે વિશેષ રાહત પેકેજ અને યોગ્ય આર્થિક સહાયની માંગણી કરવામાં આવી રહી છે.