Jamnagar Crime News: જામનગરના બાલાજી પાર્ક નજીક આવેલા સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે રેડ પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક વિંગની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં પોલીસકર્મી કુલદીપ સિંહને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં LCB, સિટી C ડિવિઝન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સેનાનગરમાં પોલીસ ટીમ પર હિંસક હુમલો
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરની એન્ટી નાર્કોટિક વિંગની ટીમ બાલાજી પાર્ક નજીક આવેલા સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે રેડ પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક પરપ્રાંતીય શખ્સ સહિતના અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાને કારણે સ્થળ પર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસકર્મી કુલદીપ સિંહને ગંભીર ઈજાઓ
આ ઘર્ષણ દરમિયાન ફરજ પરના પોલીસકર્મી કુલદીપ સિંહને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ટીમ પર થયેલા આ હુમલાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
પોલીસ ટીમ પર હુમલો થયાના સમાચાર મળતાં જામનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જામનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), સિટી 'C' ડિવિઝન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા અને સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
