જામનગરમાં હેવાનીયતની હદ વટાવી: ધાક-ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું, ફરાર બંને આરોપીઓની ધરપકડ

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બંને આરોપીઓ બજાર નુરમહંમદ અને જુનુસ રમજાણીની સિટી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 10:35 AM (IST)Updated: Sun, 01 Nov 2026 10:35 AM (IST)
jamnagar-minor-rape-case-city-b-division-police-arrested-two-accused

Jamnagar News: જામનગર શહેરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે સિટી બી ડિવિઝનમાં આ મામલે નોંધાયેલી ફરિયાદને આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આક્ષેપ પ્રમાણે, બંને આરોપીઓએ ક્રૂરતાની હદો વટાવતાં સગીરાને ધાક ધમકી આપીને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

સગીરા પર દુષ્કર્મની ઘટના

મળતી માહિતી મુજબ,જામનગર શહેરમાં એક સગીરાને બે આરોપીઓએ લાલચ અને ધાકધમકીઓ આપીને બળજબરીપૂર્વક પાશવી રીતે દુકાનમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે સગીરાને 6 માસનો ગર્ભ રહી જતાં તેની શારીરિક હાલત લથડવા લાગી હતી. જ્યારે પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ તાત્કાલિક બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

બંને આરોપીઓની અટકાયત

પ્રાપ્ત વિગત મુજબ, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસમાં ગુનો નોંધાયા બાદ આરોપીઓ નાસતા ફરતા હતા. જેને પકડવા માટે પોલીસે શોધખોળ શરુ કરી દીધી હતી. પોલીસે સઘન તપાસ શરુ કરીને બંને આરોપીઓ બજાર નુરમહંમદ જોપૈયા અને જુનુસ અલીબાસ રમજાણીની અટકાયત કરી હતી. તેમની સામે કાયદાકીય પગલાં લેવાની તજવીજ શરુ કરી છે.

તાજેતરમાં બનેલી ઘટનાઓ

છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની છે. આરોપીઓ સગીરાઓને લલચાવી અને ફોસલાવીને તેમની માસૂમિયતનો ફાયદો ઉઠાવતા હોય છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના નંદાસણમાં સગીરા પર દુષ્કર્મ ગુજારીને આરોપીએ બળજબરીપૂર્વક ગર્ભપાતની ગોળીઓ ખવડાવીને ગર્ભ પાડી દીધો હતો. જોકે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.