Indian Air Force Sahayata Setu 2026: ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય માનવીય સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત 'સહાયતા સેતુ' યોજાઈ હતી. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કવાયતનો મુખ્ય કાર્યક્રમ આજે 19 નવેમ્બર, ગુરુવારના રોજ યોજાયો હતો.
વિવિધ સુરક્ષા અને બચાવ એજન્સીઓ કવાયતમાં જોડાઈ
આ કવાયતનો હેતુ આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવું, ઝડપી પ્રતિસાદ આપવો અને બચાવ કામગીરીની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો હતો. કવાયતમાં ભારતીય વાયુસેના, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, NDRF અને SDRF સહિતની ટીમોએ સંકલિત રીતે ભાગ લઈ ચક્રવાત અને પૂર જેવી કુદરતી આપત્તિની પરિસ્થિતિ દરમિયાન વિવિધ સુરક્ષા અને બચાવ એજન્સીઓ દ્વારા કરાતી કામગીરીનું નિદર્શન કર્યું હતું.
'સહાયતા સેતુ' કવાયતમાં કઈ એજન્સીઓએ ભાગ લીધો?
- ભારતીય વાયુસેના: હવાઈ સર્વે, હેલિકોપ્ટર દ્વારા બચાવ અને એરલિફ્ટ કામગીરી.
- ભારતીય આર્મી: રેસ્ક્યૂ, એન્જિનિયરિંગ અને મેડિકલ સહાય.
- ભારતીય નૌકાદળ: દરિયાઈ બચાવ કામગીરી.
- કોસ્ટ ગાર્ડ: દરિયામાં શોધખોળ અને વિન્ચિંગ ઓપરેશન.
- NDRF: કાટમાળમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી.
- SDRF: સ્થાનિક સ્તરે આપત્તિ બચાવ કામગીરી.
- MARCOS: દરિયાઈ બચાવ કામગીરી.
- ગરુડ કમાન્ડો: ઈમરજન્સી રિસ્પોન્સ કામગીરી.
ચક્રવાત-પૂર જેવી પરિસ્થિતિમાં કરાતી કામગીરીનું નિદર્શન
આ કવાયત દરમિયાન સૌપ્રથમ ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન અને પૂર જેવી પરિસ્થિતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવાઈ સર્વે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. ભારતીય વાયુસેનાના જેગુઆર વિમાન, ડ્રોન અને અન્ય એરક્રાફ્ટની મદદથી અસરગ્રસ્ત વિસ્તારની માહિતી એકત્ર કરવામાં આવી. આ માહિતીના આધારે બચાવ ટીમોએ કયા સ્થળે અને કેવી રીતે કામગીરી કરી શકાય તેનું નિદર્શન કર્યું હતું.
MI-17 હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ અને મેડિકલ જવાનોને ઉતાર્યા
બચાવ કામગીરી નિદર્શનના પ્રારંભિક તબક્કામાં MI-17 હેલિકોપ્ટર દ્વારા આર્મીની રેસ્ક્યૂ અને મેડિકલ ટીમના જવાનોને અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા. એરફોર્સના 5 ગરુડ કમાન્ડોનીટીમે પણ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના ભાગરૂપે કામગીરી કરી હતી. હેલિકોપ્ટર દ્વારા નીચી ઊંચાઈએથી જવાનોને ઉતારવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ MI-17 હેલિકોપ્ટરમાં બામ્બી બકેટ લગાવી આગ પર પાણીનો છંટકાવ કરવાની કામગીરી દર્શાવવામાં આવી હતી. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પુલનો મુખ્ય ભાગ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા આપત્તિના કારણે તૂટી ગયેલા માર્ગો પર અવરજવર ફરી શરૂ કરવાની કામગીરી કેવી રીતે થઈ શકે તે દર્શાવવામાં આવ્યું હતું.
ફસાયેલા લોકોનું રોબોટ અને સર્ચ ડોગ્સની મદદથી રેસ્ક્યૂ
કવાયતના બીજા તબક્કામાં કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, NDRF અને SDRF ટીમોએ કાટમાળ દૂર કરવા, કટિંગ અને લિફ્ટિંગની કામગીરી કરીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત રેસ્ક્યૂ રોબોટ અને પ્રશિક્ષિત સર્ચ ડોગ્સની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ચિતા હેલિકોપ્ટર દ્વારા મકાનની છત પર ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
દરિયામાં માછીમારો માટે નેવી-કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન
ચક્રવાત દરમિયાન દરિયામાં ફસાયેલા લોકો અને માછીમારોને બચાવવાની કામગીરી પણ કવાયતનો ભાગ રહી હતી. ભારતીય નૌકાદળના ડોર્નિયર વિમાન દ્વારા દરિયામાં બચાવ કામગીરી માટે ડિંગીબોટ ઉતારવામાં આવી હતી. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ દરિયામાં ફસાયેલા લોકોની શોધખોળ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કર્યું હતું.
C-295 અને C-17 વિમાન દ્વારા દર્દીઓનું સુરક્ષિત સ્થળાંતર
બચાવ કામગીરી બાદ રાહત અને પુનઃસ્થાપનના તબક્કામાં ભારતીય વાયુસેનાના C-295 અને C-17 સહિતના વિમાનોની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. C-295 વિમાન દ્વારા આર્મીના વાહનો અને જવાનોને ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 સ્ટ્રેચર અને 6 બેઠેલા દર્દીઓ સહિત ગંભીર હાલતમાં રહેલા નાગરિક દર્દીઓને બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું.
C-17 વિમાન દ્વારા NDRF ટીમો ભારે સાધનો પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ, આર્મીની ટીમે લોજિસ્ટિક્સ કોરિડોર મારફતે લોહી સહિતની જરૂરી સામગ્રી ફિલ્ડ હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી દર્શાવી હતી. આ પ્રદર્શન દ્વારા આપત્તિ સમયે જરૂરી દવાઓ, સાધનો અને અન્ય સામગ્રી ઝડપથી અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સમજાવવામાં આવી હતી.
QUAD દેશોની ભાગીદારી, આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર
આ મહત્વપૂર્ણ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા એટલે કે QUAD દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ લેવલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ્ય આપત્તિ સમયે બચાવ કામગીરીની ક્ષમતા વધારવા સહિત વિવિધ દેશો અને એજન્સીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંકલન અને માનવીય સહાયની ભાવનાને વધુ મજબૂત કરવાનો પણ હતો.
