Jamnagar: કાલાવડના ચકચારી અપહરણ-હત્યા કેસનો આરોપી 14 વર્ષે આગ્રાથી ઝડપાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Jul 2023 06:05 PM (IST)Updated: Tue, 04 Jul 2023 06:05 PM (IST)
jamnagar-accused-in-aduction-murder-case-of-kalavad-was-caught-from-agra

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે જમીનના ડખ્ખામાં સગા કાકાનું અપહરણ કરાવી હત્યા કર્યા બાદ લાશને તાપી નદીમાં ફેંકી દેવાના ચકચારી ગુનામાં 14 વર્ષથી નાસતો ફરતો આરોપી આગ્રામાં છૂપાયો હોવાની બાતમી મળતા રૂરલ LCBએ સતત 2 દિવસ વોચ રાખી નામ બદલાવીને રહેતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી કાલાવાડ પોલીસને હવાલે કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવાડના આણંદપર ગામે રહેતા ચનાભાઇ જેસડિયાનું જમીનના ડખ્ખામાં 11 જુલાઈ, 2009માં કારમાં અપહરણ કરી ખરેડી ગામે વાડીમાં ગોંધી રાખી બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપી દ્વારા લાશને નવસારી જિલ્લાના ચીખલીમાંથી પસાર થતી તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી.

આ મામલે મૃતકના પુત્ર રમેશ જેસડીયાએ કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સૌ પ્રથમ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જે બાદ અપહ્યત પૌઢની લાશ મળી આવતા IPCની કલમ 364, 302, 201 અને 120બીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસ દ્વારા જે-તે વખતે મૃતકના ભત્રીજા બાબુભાઇ ભુરાભાઇ જેસડીયા, ધર્મેશ પોપટભાઇ સાંગાણી, મુળુભાઇ બાઠાભાઇ મેર, છગન નાગજીભાઇ જેસડીયા, મગન શંભુભાઇ સાંગાણી, પરેશ પોપટભાઇ સાંગાણી, કરણ ઉર્ફે પોલો બાઠાભાઇ મેરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ઠાકુર (રહે. નંદનવન સોસાયટી, જોષીપુરા, જૂનાગઢ) ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે ઉત્તર પ્રદેશના આગ્રામાં છૂપાયો હોવાની બાતમી મળતા LCBની એક ટીમ આગ્રા પહોંચી હતી.

જ્યાં LCBની ટીમે બે દિવસ સુધી વેશ પલટો કરીને રિક્ષા ડ્રાઈવર બનીને રહી હતી. જે બાદ નામ છૂપાવીને રહેતા ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુની ધરપકડ કરીને તેને કાલાવડ પોલીસને હવાલે કરી દીધો છે.

પોલીસની પૂછપરછમાં મૃતક ચનાભાઇ જેસડિયાને તેમના ભત્રીજા બાબુભાઇ જેસડિયા સાથે વડીલોપાર્જીત આણંદપર ગામે આવેલ 115 વીઘા જમીનનો વિવાદ ચાલતો હોતો. જેના કારણે ભાડૂતી ગેંગ દ્વારા કાકાનું અપહરણ કરાવી 10 દિવસ ગોંધી રાખી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.