Jamnagar Rain News: જામનગર શહેરમાં ગુરૂવારની રાત્રે બે વાગ્યાથી શુક્રવારની રાત્રે 8 વાગ્યા સુધીમાં 324 mm એટલે કે, 12.75 ઈંચ વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જે બંને ડેમોનું પાણી જામનગરમાંથી પસાર થાય છે. તે રણજીતસાગર ડેમ પણ ઓવરફલોની તૈયારીમાં અને રંગમતી ડેમના પાટીયા ખોલવાની શક્યતાને ધ્યાને લઈને તંત્રએ મોડી સાંજે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
શહેરમાં સતત વરસાદને કારણે શુક્રવારની સાંજે સ્થિતિ વધુ વણસી રહી હતી. ઉપરથી બે ડેમના પાણીની આવકનો ખતરો સર્જાતા કમિશનર ડી. એન. મોદીએ આપાતકાલિન સ્થિતિ સજાય તે પહેલાં જ આગમચેતીના પગલારૂપે આશ્રય સ્થાનો રૂપે કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓ ખોલાવી દેવા આદેશ કર્યો હતો. શાળાઓના આચાર્યોને ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા.
તંત્રએ વોર્ડ નંબર 4માં 150, વોર્ડ નંબર 7માં 80 અને વોર્ડ નંબર 10માં શાળા નંબર 14માં 30 લોકોનું, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી અને કાર્યકરોએ ઘાંચીની ખડકીના નદી પાસેના 80 જેટલાં લોકોને વહેવારીયા મદ્રેસામાં, લાલખાણ વિસ્તારના 50 લોકોને પોતાના વંડામાં, ટીટોડીવાડી રોડના 20 જણાને શાળા નંબર 26 પાસેની જગ્યામાં સ્થળાંતરિત કરાવ્યા હતા. તમામની ભોજનની વ્યવસ્થા કરી હતી.
તંત્રએ લોકોને ચેતવણી આપવા લાઉડસ્પીકર ધરાવતી રીક્ષાઓ પણ વિવિધ વિસ્તારોમાં ફેરવી લોકોને ચેતવ્યા હતા. ભારે વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં પાણી મરાયા હતા. પરંતુ નદીના પ્રવાહ નજીકના નિચાણવાળા વિસ્તારોમાં તંત્રએ વિશેષ તકેદારી રાખીને આગોતરી કામગીરી કરી હતી. જામનગર જિલ્લાના જોડીયામાં ધોધમાર 12 ઈંચ વરસાદ પડયો હતો.
જોડીયા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મૂશ્કેલીમાં મુકાયા હતા. જોડીયામાં રાત્રીના મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી. રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં ધોધમાર 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ભારે વરસાદના કારણે માર્ગો, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોડીયા ઉપરાંત બાદનપર, કેશીયા, કુનવી, ભાદરા જોડીયા ગામમાં પણ સારો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નદી, ચેકડેમ, નાળા પાણી પાણી થઈ ગયા હતા. કાચુ સોન વરસતા ખેડૂતોમાં આનંદની લાગ પ્રસરી હતી.
