Jamnagar Weather Update: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે બપોર બાદ અત્યાર સુધી વરસાદની ખેંચ અનુભવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લાંબા ગાળે મેઘરાજાનું હેત વરસ્યું છે. ખાસ કરીને જામનગરના ધ્રોલમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધ્રોલ પંથકના ખીજડીયા, બીજલકા અને ઈટાળા સહિતના આસપાસના ગામડાઓમાં આજે બપોરે 4 વાગ્યા બાદ એકાએક વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક ખાબકેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો કેટલાક ગામડાઓમાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.
લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા અને ઉભા પાક પર સૂકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. તેવા સમયે આ મેઘકૃપાએ ખેડૂતોની ચિંતા હળવી કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ સવાયા વરસાદથી સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે.
કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના જણાવ્યા મુજબ, સમયસર થયેલી આ વરસાદી હાજરી પાકને બચાવી લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. લાંબા સમયના સૂકા માહોલ બાદ વરસેલા પાણીથી કુવા અને બોરના તળ પણ ઊંચા આવશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.વરસાદના આગમનના સમાચાર સાંભળતા જ ખેતરોમાં કામ કરતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
ગુજરાતમાં 17 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની વકી
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 17 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના લેટેસ્ટ નાઉકાસ્ટમાં જણાવ્યા પ્રમાણે, કચ્છ, મોરબી,સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, વલસાડ અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
