અનંત અંબાણીની મોટી પહેલ: બીમાર હાથીના બચ્ચાને કેરળથી એરલિફ્ટ કરીને જામનગરના વનતારામાં લવાયું

કેરળના જંગલોમાં માતાથી વિખૂટી પડેલી અને ફ્રેક્ચર તેમજ ગંભીર બીમારીથી પીડાતી 18 મહિનાની હાથીની બચ્ચી 'માયા'ને અનંત અંબાણીની મોટી પહેલથી જામનગર વનતારા હોસ્પિટલમાં લાઈફ-સપોર્ટ એરલિફ્ટ દ્વારા સારવાર અર્થે ખસેડાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 11:29 AM (IST)Updated: Sat, 07 Nov 2026 11:29 AM (IST)
anant-ambanis-vantara-airlifts-ailing-elephant-calf-from-kerala-for-life-saving-care

Vantara Jamnagar Elephant Rescue: કેરળના જંગલોમાં માતાથી વિખૂટી પડેલી અને ગંભીર રીતે બીમાર 18 મહિનાની હાથીના બચ્ચા 'માયા'ની જીવલેણ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને નવજીવન આપવા માટે વનતારા (Vantara) ના સ્થાપક અનંત અંબાણીએ એક મોટો અને વિશેષ નિર્ણય લીધો છે. કેરળના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ડૉ. પી. પુગાઝેન્ડી (IFS) ના ટ્રાન્સફર ઓર્ડર બાદ, 6 નવેમ્બર 2026 ના રોજ વનતારાની વિશેષ વેટરનરી ટીમે માયાને એરલિફ્ટ કરીને જામનગર ખાતે આવેલી વનતારાની અત્યાધુનિક હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે ખસેડી છે.

19 એપ્રિલ 2025 ના રોજ માતા વિના મળી હતી માયા

માયા 19 એપ્રિલ 2025 ના રોજ કેરળના મલયાટ્ટૂર ડિવિઝનના કાપ્રિકાડ નજીક એક નદી કિનારે એકલી અને અત્યંત નબળી હાલતમાં મળી આવી હતી. તેનું ઝૂંડ નદી પાર કરી ગયું હતું અને તે પાછળ રહી ગઈ હતી. જન્મ સમયે માતાનું પ્રથમ દૂધ પણ ન મળવાના કારણે તે ખૂબ જ ડીહાઈડ્રેટેડ હતી. કેરળના અસિસ્ટન્ટ ફોરેસ્ટ વેટરનરી ઓફિસર ડૉ. બિનોય સી. બાબુ અને કેરગીવર નિખિલ બાબુ સહિતની ટીમે રાત-દિવસ એક કરીને 1 વર્ષથી વધુ સમય સુધી તેનો ઉછેર કર્યો અને તેને 'માયા' નામ આપ્યું.

naidunia_image

રમતા રમતા ઈજા થઈ અને પગમાં ફ્રેક્ચર થયું

જુલાઈ 2026 માં રમતી વખતે માયા લપસી પડી હતી અને તેના ખભામાં ઈજા થઈ હતી. ફિઝિયોથેરાપી અને સ્પિલન્ટ્સ આપવા છતાં તેના હાડકાં વધુને વધુ નબળાં પડતાં ગયાં. ઓક્ટોબર 2026 ના અંત સુધીમાં માયા ઉભી રહેવામાં પણ અસમર્થ બની ગઈ. તેના બંને આગળના પગમાં ફ્રેક્ચર થવા ઉપરાંત તેને છાતીમાં ઈન્ફેક્શન અને શરીરે પ્રેશર સોર્સ થઈ ગયા હતા, જેથી તેની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.

naidunia_image

પદ્મશ્રી ડૉ. કુશલ કુંવર શર્મા અને વનતારાના નિષ્ણાતોનું મંતવ્ય

માયાની સારવાર માટે કેરળના વન વિભાગે દેશના નિષ્ણાતોની સલાહ લીધી હતી. વનતારાના વેટરનરી એડવાઈઝર પદ્મશ્રી ડૉ. કુશલ કુંવર શર્મા અને વનતારાના એલિફન્ટ કેર સેન્ટરના હેડ વેટરનેરિયન ડૉ. યાદુરાજ ખડપેકરે તપાસ બાદ જણાવ્યું કે આ પેરાથાઈરોઈડ સંબંધિત તકલીફ હોઈ શકે છે, જેની સારવાર શક્ય છે. આ નિર્ણય બાદ મેડિકલ બોર્ડે સર્વાનુમતે માયાને જામનગર વનતારા હોસ્પિટલ મોકલવાની મંજૂરી આપી હતી.

લાઈફ-સપોર્ટ એરલિફ્ટ દ્વારા જામનગર લવાઈ

માયાને 3 વેટરનરી ડૉક્ટરો, પેરાવેટ્સ, કેરગીવર્સ તેમજ ડૉ. બિનોય સી. બાબુ અને કેરગીવર નિખિલ બાબુની હાજરીમાં લાઈફ-સપોર્ટ એરલિફ્ટ દ્વારા જામનગર લાવવામાં આવી છે. જામનગરમાં તેને 24 કલાક સતત નિરીક્ષણ, હાઈડ્રોલિક લિફ્ટિંગ સપોર્ટ, હાઈડ્રોથેરાપી અને એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા સારવાર આપવામાં આવશે. કેરળ વન વિભાગ તેની સંભાળનું ધ્યાન રાખશે અને સારવાર પૂર્ણ થયા બાદ વનતારા તેને પરત અભયારણ્યમ (Abhayaranyam) ખાતે પહોંચાડવામાં મદદ કરશે.

naidunia_image

વનતારાના સીઈઓ વિવાન કરાણીએ જણાવ્યું હતું કે, "માયાએ પોતાના જીવનના દરેક દિવસે સંઘર્ષ કર્યો છે. હવે તેના માટે લડવાનો આપણો વારો છે. અમારી ટીમ એક ક્ષણ માટે પણ તેને એકલી નહીં મૂકે. દરેક જીવ કિંમતી છે અને માયા આપણા બધા માટે મહત્વની છે."