Jamnagar: સૌરાષ્ટ્રમાં મેઘ મહેર બની 'કહેર', ડૂબી જવાની અલગ-અલગ ઘટનામાં પિતા-પુત્ર સહિત 4ના મોત, જુઓ VIDEO

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Jun 2023 07:16 PM (IST)Updated: Fri, 30 Jun 2023 07:16 PM (IST)
4-died-in-separate-drowning-incidents-in-jamnagar

Jamnagar: સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ જનજીવન પર પણ તેની વિપરિત અસર જોવા મળી રહી છે. અનેક ઠેકાણે મેઘ મહેર નહીં, પરંતુ કહેર બની હોય તેમ લાગી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના અલગ-અલગ ઠેકાણે ડૂબી જવાની ઘટનામાં 3 બાળકોના મોત થયા છે.

જો જામનગરની વાત કરીએ તો, શહેરમાં આજે ડૂબી જવાની અલગ-અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જે પૈકી 3 બાળકો હોવાનું માલૂમ પડ્યું છે.

પ્રથમ બનાવમાં જામનગરના રણજીતસાગર ડેમમાં ડૂબવાથી આસિફભાઈ સેતા (36) અને નવાઝ સેતા (13) નામના પિતા-પુત્રનું મોત થયું હતુ. બીજા બનાવમાં શહેરના ગુલાબનગરના નવા નાળા નજીક યસ વિજય પરમાર નામનો 13 વર્ષનો સગીર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

અન્ય એક બનાવમાં શહેરના ધુવાવ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતી નેહા ગોદરિયા નામની બાળકી ઘરમાં ભરાઈ ગયેલા વરસાદના પાણી બહાર કાઢવા દરમિયાન ખાડામાં પડી જતાં ડૂબી ગઈ હતી. હાલ તો નેહાના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જસાપાર ગામની નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયો હતો. જેમાં દિપક દેવીપૂજક નામનો યુવક ભાદર નદીમાં ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન તે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યો હતો. આ બાબતની જાણ થતાં નદી કાંઠે મૃતકના પરિવાજનો સહિત આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.