ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે આઇપીએલની ફાઈનલ મેચ પૂરી થયા બાદ હાલોલનો યુવક એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યો હતો. યુવક મોડે સુધી ઘરે નહીં આવતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જરોદ નજીક ખંડીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે તેનું એક્ટિવા જોવા મળતા વડોદરા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. કેનાલમાં શોધખોળ હાથ ધરાતા આજે બપોરે યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા રોડ ખાતે કોલેજ ની સામે યમુના ટાયર નામની દુકાનમાં નોકરી કરતો અને હાલોલના વલ્લભાચાર્ય નગરમાં રહેતા 26 વર્ષિય ઉત્સવ શૈલેષભાઇ શાહ ગત રાત્રી ના IPL ક્રિકેટની ફાઇનલ મેચ પૂરી થયા બાદ એક્ટીવા લઇને ઘરેથી નીકળ્યો હતો. જોકે મોડી રાત સુધી ઉત્સવ પરત ન ફરતા પરિવારે ઉત્સવના કાકાને જાણ કરતા ઉત્સવના કાકા તેમના મિત્રો મેહુલભાઇ સેવક તેમજ અશ્વિનભાઇ પટેલને બોલાવી ઉત્સવની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. હાલોલ નજીક આવેલી હાઇવેની તમામ હોટલોમાં તપાસ કરી કરતા કરતા હાલોલ-વડોદરા રોડ ઉપર આવેલી ખંડીવાડા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં ઉત્સવની એકટીવા ચાવી નાંખેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો
કેનાલની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી પરંતુ ઉત્સવનો કોઇ પત્તો મળ્યો ન હતો ત્યારે તેમને શંકા ગઇ હતી કે ઉત્સવે કેનાલમાં પડતું મૂક્યું હશે. જેથી આજે સવારે ઉત્સવના કાકા તેમજ મિત્રો ફરીથી કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. ઉત્સવે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હોવાની આશંકા સાથે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ખંડીવાડા કેનાલ પાસે આવી પહોંચી હતી.
એક કલાકની ભારે શોધખોળ બાદ સરણેજ ક્રોસીંગ ગેટ-95 પાસેથી ઉત્સવ શાહની લાશ મળી આવી હતી. જરોદ પોલીસે ઉત્સવ શાહના મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી જરોદ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્સવે કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે.
