વાયબ્રન્ટ સમિટ-2027 નો ધમધમાટ શરુ, ગિફ્ટ સિટીની મૂલાકાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓની સમીક્ષા કરવા ગિફ્ટ સિટીની મુલાકાત લીધી. આ સમિટ 10-12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાશે અને વૈશ્વિક રોકાણો આકર્ષવા તેમજ ગુજરાતની નાણાકીય ક્ષમતાઓ દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 04:08 PM (IST)Updated: Thu, 26 Nov 2026 04:08 PM (IST)
vibrant-summit-2027-chief-minister-bhupendra-patel-arrived-for-a-visit-to-gift-city
ગિફ્ટ સિટીની મૂલાકાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Vibrant Summit 2027: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2027 ની પૂર્વ તૈયારીઓ સંદર્ભમાં ગિફ્ટ સિટીની મુલાકાત લઈને જુદા-જુદા ઇવેન્ટસના આયોજન સ્થળોની વિઝિટ અને કામગીરી સમીક્ષા કરી હતી.

એક પ્લેટફોર્મ પર જોવા મળશે અનેક હસ્તીઓ

તમને જણાવી દઈએ કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ભાગ રૂપે, ગિફ્ટ સિટીમાં 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન થવાનું છે. તેમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગના નેતાઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળશે.

નવા રોકાણો આકર્ષવા માટે મહત્વપૂર્ણ ઈવેન્ટ બનશે

આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય નાણાંકીય સહયોગ, વૈશ્વિક મૂડી પ્રવાહ, ઉભરતી નાણાંકીય તકનીકો, નાણાંકીય સેવાઓ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), ઉદ્યોગ ભાગીદારી અને રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલુ જ નહિ, આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓમાં ગુજરાતની વધતી જતી ક્ષમતાઓ દર્શાવવા, વૈશ્વિક સંસ્થાકીય ભાગીદારીને મજબૂત બનાવવા અને રાજ્યમાં નવા રોકાણો આકર્ષવા માટે મહત્વપૂર્ણ ઈવેન્ટ બનશે.

સુવિધાઓનો વિકાસ અંગે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યુ

આ બધી તૈયારીઓના સંદર્ભમાં ગુરુવારે સવારે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને વરિષ્ઠ સચિવો સાથે ગિફ્ટ સિટી પહોંચ્યા હતા અને સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષામાં વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓ ઉપરાંત 2030 માટે ગિફ્ટ સિટીના વિકાસ રોડમેપ, નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ, ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓનો વિકાસ અંગે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું.

ગિફ્ટ સિટીમાં શરુ કરવામાં આવી રહી છે અનેક ફેસેલીટીઝ

વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગિફ્ટ સિટીમાં વ્યવસાય રોજગાર અને રહેણાક માટે વસી રહેલા લોકો માટે હોસ્પિટલ, શોપિંગ મોલ જેવી જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ ઊભી થઈ રહી છે તેની પણ કામગીરી પ્રગતિની વિગતો અને નિર્માણાધિન વિવિધ સાઈટ્સની કામગીરીની માહિતી મેળવી હતી.

નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર, તેમજ ગિફ્ટ સિટીના એમ.ડી. અને ગૃપ સી.ઈ.ઓ. સંજય કૌલ વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.