વાઈબ્રન્ટ ગુજરાત 2027 માં અમેરિકા 'પાર્ટનર કન્ટ્રી' તરીકે જોડાશે: વડાપ્રધાન કાર્યાલય અને રાજ્ય સરકારનું સફળ સંકલન

છેલ્લે 2017 વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 08:51 AM (IST)Updated: Wed, 21 Oct 2026 08:51 AM (IST)
vibrant-gujarat-global-summit-2027-usa-as-partner-country-international-trade

Vibrant Gujarat Summit 2027: ગુજરાત રાજ્યને વૈશ્વિક રોકાણના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માં અમેરિકાની ભાગીદારી અત્યંત મહત્વની બની રહેશે. છેલ્લે 2017 વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું હતું, અને હવે દસ વર્ષના લાંબા અંતરાલ બાદ તે ફરી આ ઈવેન્ટમાં ભાગીદારી કરશે.

પાછલા મહિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ વડાપ્રધાન કાર્યાલયે (PMO) સતત અમેરિકન સરકાર સાથે સંપર્કમાં રહીને આ મહત્વની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. જોકે, આ અંગેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે, પરંતુ સમિટમાં અમેરિકા તરફથી રાજદ્વારીઓ અને વ્યાવસાયિકોનું એક મોટું પ્રતિનિધિમંડળ ભાગ લેશે જેમાં ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આગામી વાઈબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટ ‘વિકસિત ગુજરાત, વૈશ્વિક ભવિષ્યનું ઘડતર’ ના મુખ્ય વિષય સાથે યોજાશે. જેમાં આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ, ટેકનોલોજી અને ઉદ્યોગોના વિસ્તરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ઊર્જા, અદ્યતન ટેકનોલોજી તથા ઔદ્યોગિક સહયોગની વ્યાપક તકો રહેલી છે.

અમેરિકાની ભાગીદારીથી કુલ કેટલું રોકાણ આવશે તેનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરાયો નથી. પરંતુ અમેરિકી કંપનીઓ ખાસ કરીને ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા માટે ભારે ઉત્સુક છે. આ સમિટ દરમિયાન AI, ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કંટ્રી સેમિનાર, ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ અને પશ્ચિમી દેશો માટે ‘ચાઇના પ્લસ વન’ રણનીતિ હેઠળ ભારતને મજબૂત વિકલ્પ બનાવવા જેવા મહત્વના સત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માં આશરે 70 થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય તેવી શક્યતા છે. જેમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, જર્મની, ફ્રાન્સ, જાપાન અને રશિયા જેવા પરંપરાગત દેશો તેમજ મધ્ય પૂર્વ, યુરોપ, લેટિન અમેરિકા અને ખાડી દેશોના ઉભરતાં અર્થતંત્ર ધરાવતા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે.