Vibrant Gujarat 2027: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે યોજાયેલા રોડ-શો દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને અનુલક્ષીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ ઉદ્યોગગૃહના વડાઓને ગુજરાતના વિકાસ મોડેલમાં ભાગીદાર બનવા અને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું.
આ બેઠક બાદ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણના પોતાના સુખદ અનુભવો અને ભવિષ્યના રોકાણ આયોજન અંગે મહત્વપૂર્ણ પ્રતિભાવો આપ્યા હતા:
ઇલેક્ટ્રિક વાહનો અને GIFT સિટીમાં રોકાણની વિપુલ તકો: આનંદ મહિન્દ્રા
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભૂતકાળના અનુભવો યાદ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તત્કાલીન CM) સાથેની પ્રથમ બેઠકની દુરંદેશીથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આત્મીય ચર્ચામાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ગિફ્ટ સિટી (GIFT City) ક્ષેત્રે નવી તકો શોધવા તેમજ મહિન્દ્રા ગ્રુપના ભાવી રોકાણ પ્લાન અંગે ફળદાયી સંવાદ થયો હતો.
હજીરામાં રૂ. 80,000 કરોડનું રોકાણ અને વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ: AMNS
AM/NS ઇન્ડિયાના સીઈઓ અમિત હરલાલકાએ માહિતી આપી હતી કે કંપની ગુજરાતમાં 25 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના વિઝન પર કામ કરી રહી છે.
કંપની આગામી જૂન મહિના સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરશે. આ ઉપરાંત, હજીરા ખાતે પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધારાના રૂ. 10,000 કરોડનું નવું રોકાણ કરવાની યોજના છે.
ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન: સતિષ પાઇ (Hindalco)
હિન્ડાલ્કોના એમડી સતિષ પાઈએ જણાવ્યું કે ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રે કોપર રિસાયક્લિંગ અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે વિપુલ શક્યતાઓ છે.રાજ્યમાં આકાર લઈ રહેલા નવા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગુજરાત દેશનું પ્રમુખ કોપર ડેસ્ટિનેશન બનશે.
શિપિંગ પોલિસી અને એરપોર્ટ કનેક્ટિવિટી પર ભાર: નિખિલ મર્ચન્ટ (Swan Energy)
સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે 'સ્વાન એનર્જી'ના વિસ્તરણ અને આધુનિકીકરણ અંગે ચર્ચા કરી હતી.તેમણે ગુજરાતની નીતિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય વ્યાપારને વેગ આપવા માટે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વધારવા અંગે સકારાત્મક વાતચીત થઈ છે.
ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ દ્વારા રોજગારી અને નિકાસને વેગ: દીપાલી ગોએન્કા (Welspun)
વેલ્સપન ઇન્ડિયા લિ. ના સીઈઓ દીપાલી ગોએન્કાએ જણાવ્યું કે વૈશ્વિક કાપડ ઉદ્યોગમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત કરવા માટે વેલ્સપન ગ્રુપ આતુર છે. રાજ્યની ઉદ્યોગસ્નેહી ટેક્સટાઇલ પોલિસીનો લાભ લઈને નવા રોકાણ, વિસ્તરણ, નિકાસ અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે.
