Vibrant Gujarat Global Summit 2027: બેંગલુરુ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી. રોડ-શોમાં રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ માટે નવી તકો શોધવા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ ભેગા થયા હતા.
રોડ શોમાં વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિનોદ રાવ , IAS દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્સટાઇલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, 24/7 પાવર સપ્લાય, પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે કનેક્ટીવીટી, ધોલેરા SIRને હાઈલાઇટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો અને મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
મંત્રી રીવાબા જાડેજાએ ગુજરાતની ક્ષમતાઓ જણાવી
સેમિનારને સંબોધતા ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મુકયો હતો. રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કર્ણાટકએ IT, સંશોધન, સર્વિસ, સ્પેસ,AI, ડેટા સેન્ટર ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે. જ્યારે ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જવેલરી,ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે.
મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવીને, આપણે નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરી શકીશું.માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ, આપણા સામુહિક પ્રયાસો 'વિકસિત ભારત @2047' તરફની યાત્રાને વધુ મજબૂત બનાવશે.
અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાની તકો
ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાન નિકાસમાં 25% યોગદાન આપે છે. આ સંદર્ભમાં ચર્ચા દરમિયાન કર્ણાટકની સ્થાપિત IT, સંશોધન, સ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને ડેટા સેન્ટર ઇકોસિસ્ટમને ગુજરાતની ઉભરતી સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાની તકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર (વિકસિત ગુજરાત - વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) થીમ હેઠળ યોજાશે, જે ઉદ્યોગો, નીતિઓ બનાવનાર અને ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ હેઠળ લાવશે.
બેંગલુરુનો આ રોડ શો ગુજરાત અને કર્ણાટક વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને માત્ર વાતચીત પૂરતા સીમિત ન રાખતા અર્થપૂર્ણ વ્યવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની એક ઉત્તમ તક સાબિત થયો છે. VGGS 2027ની તૈયારીઓ આગળ વધી રહી છે ત્યારે, બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકના સાહસો, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને તેમની કુશળતા, વિચારો અને ભાગીદારીની પ્રાથમિકતાઓ સાથે ગાંધીનગર પધારવા તેમજ આંતર-રાજ્ય મૂલ્ય શૃંખલા (વેલ્યુ ચેઇન) અને ભારતના આગામી તબક્કાના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
