24 વર્ષીય વંશિથા ચેરિયાલે પૌરાણિક કથાઓ, તેલંગાણાની હસ્તકળાના ચિત્રો એકતા નગર ખાતે રજુ કરીને લોકોને કર્યા મંત્રમુગ્ધ

તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, તેના રંગ જોનારાને મંત્રમુગ્ધ કરી નાખે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 17 Nov 2025 03:13 PM (IST)Updated: Mon, 17 Nov 2025 03:13 PM (IST)
vanshitha-cheriyal-mesmerized-audience-by-presenting-mythological-stories-handicrafts-of-telangana-at-ekta-nagar

Gandhinagar News: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના પરિસરમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘ભારત પર્વ 2025’નું ભવ્ય આયોજન થયું છે. ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા અને હસ્તકલાને ઉજાગર કરતો આ જીવંત ઉત્સવ અનેકતામાં એકતાની ઝલક રજૂ કરે છે. ભારત પર્વમાં વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિશિષ્ટ વારસાનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેમાં તેલંગાણાની અનોખી ચેરિયાલ પેઇન્ટિંગ્સ દર્શાવતો સ્ટોલ તેના રંગ, કથાઓ અને ઇતિહાસ માટે અલગ તરી આવ્યો છે.

naidunia_image

24 વર્ષીય કલાકાર દ્વારા તેલંગાણાના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી ચેરિયાલ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન તેલંગાણાની 24 વર્ષીય ચેરિયાલ કલાકાર સી.એચ. વંશિથા અને તેની માતા તેમના પ્રાંતની સંસ્કૃતિની સદીઓ જૂની વાર્તાને ચેરિયાલ પેઇન્ટિંગ્સ દ્વારા રજૂ કરવા અને આ કળાને સાચવવાના મિશન પર છે. એકતા નગર ખાતે ભારત પર્વના માધ્યમથી તેઓ આ મિશનને આગળ ધપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેરિયાલ કળા એ તેલંગાણાના ચેરિયાલ ગામની એક પરંપરાગત સ્ક્રોલ પેઇન્ટિંગ શૈલી છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને ગ્રામ્ય જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ કળામાં જીવંત અને જટિલ કથાત્મક ચિત્રો ખાદીના કાપડ પર બનાવવામાં આવે છે. તેમાં આમલીના બીજની પેસ્ટ, ચોખાનો સ્ટાર્ચ અને ચોક પાઉડરના મિશ્રણનો ઉપયોગ થાય છે, જે પેઇન્ટિંગ માટે મજબૂત બેઝ તૈયાર કરે છે.

naidunia_image

તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, તેના રંગ જોનારાને મંત્રમુગ્ધ કરી નાખે છે. આ કળાને તેના સાંસ્કૃતિક વારસા માટે જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઇ) ટેગ મળ્યો છે. ચેરિયાલ પેઇન્ટિંગ્સની ખાસિયત તેના કુદરતી રંગો છે. કલાકારો ખનિજો, ફૂલો, દરિયાઇ શેલ વગેરેમાંથી કલર મેળવે છે અને તેને હેન્ડમેડ બ્રશ દ્વારા કાપડ પર ઉતારે છે. રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓ જેવા ભારતીય મહાકાવ્યોના દ્રશ્યો આ પેઇન્ટિંગમાં અદભુત લાગે છે. દરેક ચિત્ર એક જીવંત વિઝ્યુઅલ સ્ટોરીની જેમ પ્રગટ થાય છે, જે ગ્રામીણ તેલંગાણાની સમૃદ્ધ પરંપરા અને જીવનશૈલીનું વર્ણન કરે છે.

naidunia_image

બૅકગ્રાઉન્ડમાં ચળકતો લાલ રંગ, ચહેરાની અભિવ્યક્તિ અને બોલ્ડ આઉટ લાઇન ચેરિયાલ પેઇન્ટિંગ્સની ઓળખ છે. પરંપરાગત રીતે લોક ગાયકો અને કલાકારો દ્વારા તેમની વાર્તા રજૂ કરવા માટે આ ચિત્રોનો ઉપયોગ કરે છે, પરંતુ આજે આ હસ્તકલા વોલ હેંગીગ (ફોટો ફ્રેમ કે પોસ્ટર્સ), માસ્ક અને કલાત્મક સુશોભનની વસ્તુઓ સુધી પણ વિસ્તરી છે. આ હસ્તકલાને નકશી કલાકારો (ચેરિયાલ ચિત્રકારો)ની પેઢીઓ આગળ ધપાવી રહી છે, જેઓ સદીઓ જૂની તકનીકોને જાળવી રાખીને તેમાં નવીનતા ઉમેરી રહ્યા છે.

naidunia_image

ભારત પર્વ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ચેરિયાલ પેઇન્ટિંગ્સને રસપૂર્વક નિહાળી હતી અને પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રોનું વર્ણન પણ સાંભળ્યું હતું. પહેલી વખત ભારત પર્વ જેવા કાર્યક્રમમાં સામેલ થનારી અને બી.ટેક.ની ડિગ્રી ધરાવતી સી.એચ. વંશિથાએ જણાવ્યું કે, “હું બાળપણથી જ આ કળાના પરિચયમાં છું. મારી માતા છેલ્લા 15 વર્ષોથી આ કળા પ્રત્યે સમર્પિત છે અને હું છેલ્લા ચાર વર્ષથી આ કળા સાથે જોડાયેલી છું. અમે બનાવેલા દરેક ચિત્રમાં આપણાં દેવતાઓ, પૂર્વજોની વાર્તાઓ છે. અમારું લક્ષ્ય છે કે આ કળાના માધ્યમથી દુનિયા જાણે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે.”

naidunia_image

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત ભારત પર્વ 2025 દેશભરના કારીગરો અને કલાકારો માટે તેમની પ્રાદેશિક પરંપરા અને વારસો રજૂ કરવાનું સશક્ત મંચ છે. આ મંચ દ્વારા તેલંગાણાની 24 વર્ષની યુવતીએ પોતાની હસ્તકલા દ્વારા ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરી છે. ડિજિટલ આર્ટ અને મૉડર્ન સ્ટોરીટેલિંગના આ યુગમાં વંશિથા ચેરિયાલ પેઇન્ટિંગ્સ જેવી હસ્તકળાના વારસાને આગળ ધપાવી રહી છે.