Uttarayan 2026, Gujarat Weather Forecast, Ambalal Patel Aagahi: આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે. 14 અને 15 જાન્યુઆરીના રોજ ગુજરાતભરમાં પતંગ રસિકોનો જમાવડો ધાબા પર જોવા મળે છે. જોકે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનનો મિજાજ કંઇક અલગ જ હોવાથી ઘણીવાર પતંગરસિયાઓ નિરાશ થઇ જાય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. આ વખતે ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની સ્થિતિ અત્યંત અનુકૂળ રહેશે, જેના પરિણામે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે.
વહેલી સવારથી કેવી રહેશે પવનની ગતિ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 14મી જાન્યુઆરીએ સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદ અને મહેસાણામાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની આસપાસ રહેશે, જ્યારે પાલનપુરમાં 7 થી 8 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પણ સવારના સમયે પવનની સ્થિતિ પતંગબાજો માટે સાનુકૂળ રહેશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં સારી રહેશે પવનની ગતિ
અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધુ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહુવા, ભાવનગર અને પોરબંદરમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતા વધુ સારી રહેશે. સુરત, રાધનપુર અને જામનગરમાં સવારના સમયે આશરે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 12 થી 13 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. સુરતમાં પવનના ઝાપટાં (gusts) 26 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે, જે પતંગબાજો માટે રોમાંચક અનુભવ કરાવશે.
બપોર બાદ ધીમો પડી શકે છે પવન
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બપોરના સમયે પવનની ગતિમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. બપોરેથી લઈને સાંજ સુધી મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, આ દરમિયાન વચ્ચે-વચ્ચે પવનના લહેરા 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ શકે છે, જે સમયે પતંગબાજોએ પતંગ સંભાળવી પડશે. 14મી જાન્યુઆરી પતંગ ચગાવવા માટે વધુ સાનુકૂળ દિવસ રહેશે. 15મી જાન્યુઆરીએ (વાસી ઉતરાયણ) સવારના સમયે પવનની ગતિ ઓછી રહેશે અને દિવસ દરમિયાન 4 થી 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે 14મી તારીખની સરખામણીએ ઓછી ગણી શકાય.
