Amit Shah Gujarat Visit: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah Gujarat Visit))આગામી તા. 16 અને 17 મે દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રના બે દિવસીય પ્રવાસે પધારી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવાની સાથે વિવિધ લોકાર્પણ, ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આસામ, પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની ઐતિહાસિક જીત બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે.
ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા અભિયાન
આ પ્રવાસ અંતર્ગત તા. 16 મેના રોજ શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકરણ, ગાંધીનગર લોકસભાના તળાવોના નવિનીકરણ અને ઇન્ટરલિંકિંગ કામગીરીઓમાં થયેલ પ્રગતિની સમીક્ષા બેઠક તથા ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકાના GUDC સહિતના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક સામેલ છે.
રમશે બાળક – ખીલશે બાળક અભિયાન
આ ઉપરાંત શાહની અધ્યક્ષતામાં લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગેની બેઠકો પણ યોજાશે.તદ્પરાંત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત અનુપમ પહેલ રમશે બાળક – ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જઓ અને સહ-ઇન્ચાર્જ તેમજ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભા વિસ્તારોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શાહ સંવાદ કરશે.
તા. 17 મેના રોજ અમિત શાહના વરદ હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ. (મધુર ડેરી) દ્વારા નિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉપરાંત ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID) ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
