અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026 નો પ્રારંભ, શીતલ દેવી ‘પેરા આર્ચર ઓફ ધ યર’ જાહેર

કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026 નો શુભારંભ કરાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 05 Sep 2026 02:58 PM (IST)Updated: Sat, 05 Sep 2026 02:58 PM (IST)
world-archery-para-series-2026-at-ahmedabad-sabarmati-riverfront-amit-shah
World Archery Para Series 2026

World Archery Para Series 2026: અમદાવાદના આંગણે રમતગમત ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026 નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહી છે.

શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યરનો એવોર્ડ

ભારતની ખ્યાતનામ વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવીને ‘પેરા આર્ચર ઓફ ધ યર’ નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ વર્લ્ડ આર્ચરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુઆન કાર્લોસ હોલ્ગાડોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ખેલાડીઓનું સ્વાગત કરતા હરવિંદર સિંહ, શીતલ દેવી, રાજકુમાર, શ્યામ સુંદર સ્વામી અને પાયલ જેવા દિગ્ગજ ખેલાડીઓને દેશ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા.

19 દેશોના 108 ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલી આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત સહિત વિશ્વના 19 દેશોના 108 અગ્રણી તીરંદાજો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારત તરફથી 29 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતરી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યૂ-1 અને વિઝ્યુઅલી ઈમ્પેર્ડ (દૃષ્ટિહીન) શ્રેણીઓમાં વિશ્વના શ્રેષ્ઠ પેરા આર્ચર વચ્ચે મુકાબલો થશે.

ગાંધીનગરમાં એશિયાનું સૌથી મોટું ટ્રેનિંગ સેન્ટર

આ તકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના સ્પોર્ટ્સ સેક્ટરમાં મોટું પરિવર્તન આવ્યું છે. ગુજરાતમાં પેરા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરમાં રૂ. 316 કરોડના ખર્ચે એશિયાનું અત્યાધુનિક પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આ કેન્દ્ર AI અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક દિવ્યાંગ ખેલાડીને રૂ. 10 લાખની આર્થિક સહાય અને વિજેતાઓને ‘ખેલ પ્રતિભા પુરસ્કાર’ આપી પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત, ગુજરાતમાં રમતગમતની ઈકો સિસ્ટમ મજબૂત કરવા માટે વર્ષ 2026-27 માં રમતગમત વિભાગ માટે રૂ. 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની યજમાની

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત માત્ર આયોજન માટે જ નહીં પરંતુ તાલીમ અને સ્પોર્ટ્સ ઈન્જરીના મેડિકલ સાયન્સ તથા સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ વિશ્વભરના ખેલાડીઓ માટે મોટું વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાનું છે. આ સાથે જ ભારત વર્ષ 2036 ના વર્લ્ડ ઓલિમ્પિકના યજમાન તરીકે પણ પ્રબળ દાવેદારી સાથે આગળ વધી રહ્યું છે.

આગામી 9 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં વિશ્વભરના ખેલાડીઓને વિજેતા બનવાની શુભેચ્છાઓ આપવાની સાથે, કેન્દ્રીય ગૃહમંત્રીએ રમતવીરોને સોમનાથ, દ્વારકા અને એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ ગુજરાતની મહેમાનગતિનો આનંદ માણવા પણ ખાસ આમંત્રણ પાઠવ્યું છે.