ગુજરાતમાં નવા મતદારોની નોંધણી માટે 3 ખાસ રવિવારે વિશેષ ઝુંબેશ, ફોર્મ-6 ભરી શકાશે

ગુજરાતમાં 18-19 વર્ષના નવા યુવા મતદારો અને બાકી નાગરિકો માટે 29/11, 06/12 અને 13/12ના રોજ મતદાન મથકો પર ખાસ કેમ્પ. ફોર્મ-6 દ્વારા નામ નોંધાવો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 22 Nov 2026 09:56 PM (IST)Updated: Sun, 22 Nov 2026 09:56 PM (IST)
special-campaign-for-new-voter-registration-in-gujarat-on-3-designated-sundays-form-6-can-be-submitted

Voter Registration Special Drive Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, જે રાજ્યોમાં 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR)ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં હવે સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હેઠળ નવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા સાથે આયોજન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ 18 થી 19 વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો તેમજ મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકોને તક આપવાનો છે.

નવેમ્બર અને ડિસેમ્બરમાં 3 રવિવારે વિશેષ કેમ્પ

નાગરિકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકે તે માટે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન નીચે મુજબના 3 રવિવારે રાજ્યના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે.

  • 29 નવેમ્બર, 2026
  • 06 ડિસેમ્બર, 2026
  • 13 ડિસેમ્બર, 2026

આ ત્રણેય દિવસો દરમિયાન સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર હાજર રહેશે અને હક્ક-દાવા તેમજ વાંધા અરજીઓ સ્વીકારશે.

કોણ કરી શકશે અરજી? 2027ના ભાવિ મતદારો માટે પણ તક

'મતદાર નોંધણી નિયમો, 1960' હેઠળ કોઈપણ પાત્રતા ધરાવતી વ્યક્તિ માત્ર ફોર્મ-6 ભરીને મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરાવી શકે છે. આ ઉપરાંત, જે યુવાનો 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, તેઓ તો અરજી કરી જ શકશે; પરંતુ સાથે જ વર્ષ 2027ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે 01/04/2027, 01/07/2027 અને 01/10/2027ના રોજ 18 વર્ષ પૂરા કરનાર ભાવિ મતદારોની એડવાન્સ અરજીઓ પણ આ કેમ્પમાં સ્વીકારવામાં આવશે.

અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ રહેશે

ખાસ ઝુંબેશના દિવસોમાં મતદાન મથકો પર કામગીરી કોઈપણ અવરોધ વિના સુચારુ રૂપે ચાલે તે માટે સુપરવાઈઝરો દ્વારા સતત મુલાકાત લેવામાં આવશે. આ સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ મતદાન મથકોનું રેન્ડમલી ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવશે. રાજ્યના તમામ પાત્ર નાગરિકો અને ખાસ કરીને યુવાનો આ વિશેષ ઝુંબેશનો લાભ લઈ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.