શું તમારું નામ વોટર આઈડી લિસ્ટમાં નથી? ઓક્ટોબર-નવેમ્બરમાં આ 4 દિવસ બૂથ પર જઈને ફટાફટ કરાવો નોંધણી!

ગુજરાતમાં નવા મતદારોની નોંધણી માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 4 રવિવારે મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 01 Oct 2026 07:56 PM (IST)Updated: Thu, 01 Oct 2026 07:56 PM (IST)
gujarat-voter-list-2026-special-registration-drive-dates

Gujarat Voter List Special Drive 2026: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, જે રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ 18-19 વર્ષના નવા પાત્ર યુવા મતદારો માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સુંદીપ સાગળે દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરને વિગતવાર માર્ગદર્શિકા સાથે આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશની મુખ્ય બાબતો અને પ્રવૃત્તિઓ

શિક્ષણ સંસ્થાઓમાં જાગૃતિ અને SVEEP પ્રવૃત્તિઓ

આ ખાસ ઝુંબેશ હેઠળ તમામ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ (AERO) દ્વારા વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં SVEEP પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

નાગરિકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે વિવિધ સ્થળોએ બેનરો લગાવવામાં આવશે તેમજ સ્થાનિક સમાચારપત્રો દ્વારા પણ પ્રચાર કરવામાં આવશે.

વિશેષ ઝુંબેશના દિવસો

  • તારીખ 11/10/2026
  • તારીખ 18/10/2026
  • તારીખ 25/10/2026
  • તારીખ 01/11/2026

આ દિવસોમાં સવારે 10:00 થી સાંજે 05:00 કલાક સુધી ડેઝિગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ (ફોર્મ્સ) સ્વીકારશે.

અરજી ફોર્મ્સ અંગે સ્પષ્ટતા

હાલનો સમયગાળો Non-SIR હોવાથી 'મતદાર નોંધણી નિયમો, 1960' હેઠળ કોઈપણ પાત્રતા ધરાવતી વ્યક્તિ માત્ર ફોર્મ-6 ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. 18-19 વર્ષના નવા અથવા પ્રથમ વખતન પાત્ર યુવા મતદારો માટે આ પોતાની વિગતો નોંધાવવાની સુવર્ણ તક છે.

સુપરવિઝન અને મોનિટરિંગ

આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન કામગીરી સુચારૂ રૂપે પાર પડે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવશે. સુપરવાઈઝરો દ્વારા મતદાન મથકોની સતત મુલાકાતો લેવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ રેન્ડમલી (જરૂરી ક્ષેત્રીય) નિરીક્ષણ કરવામાં આવશે.

આમ, રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ મેળવીને મતદાર યાદીમાં પોતાનું નામ અચૂક નોંધાવે, જેથી મતદાર યાદીને વધુ અદ્યતન અને સર્વસમાવેશક બનાવી શકાય.