Census 2027: ગુજરાતમાં સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ, મુખ્યમંત્રી સહિત 2.36 લાખથી વધુ જાગૃત નાગરિકોએ જાતે જ ફોર્મ ભર્યા

ગુજરાતમાં 29 મેના રોજ આરોગ્ય, શિક્ષણ અને 30 મેના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા તમામ કર્મયોગી સ્વ-ગણતરી ફોર્મ ભરશે.ઝુંબેશમાં અમદાવાદમાં સૌથી વધુ 42 હજાર નાગરિકો સહભાગી થયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 May 2026 08:28 PM (IST)Updated: Wed, 27 May 2026 08:28 PM (IST)
self-enumeration-in-census-2027-receives-huge-response-more-than-2-36-lakh-aware-citizens-filled-the-forms-themselves
HIGHLIGHTS
  • 31 મે સુધી ચાલનારી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવાની અપીલ
  • માત્ર QR કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીની વિગતો ભરી શકાશે

Self Enumeration In Census 2027: વસતી ગણતરી-2027 દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે. દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા.17 મે-2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો તેમજ જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને અપીલ પણ કરી છે.

આગામી તા.31 મે-2026 સુધી ચાલનારી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 2.36 લાખથી વધુ મહાનુભાવો-નાગરીકો સ્વ-ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42 હજારથી વધુ જ્યારે સુરતમાં 22 હજાર, વડોદરા અને આણંદમાં 16-16 હજાર, રાજકોટમાં 14 હજાર, મહેસાણામાં 11 હજારથી વધુ એમ રાજ્યભરમાં કુલ 2.36 લાખથી વધુ નાગરિકો સ્વ-ગણતરીમાં જોડાયા છે.

રાજ્યભરમાં મહત્તમ નાગરિકો ટેકનોલોજીના ઉપયોગથી ઘરે બેઠા સ્વ-ગણતરી ફોર્મ ભરશે તો પોતાની સચોટ માહિતીની સાથે સાથે વસતી ગણતરી કરતા કર્મચારી પર કામનું ભારણ ઘટવાની સાથે કામમાં વધુ ઝડપ પણ આવશે. આ રાષ્ટ્રવ્યાપી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વસ્તી ગણતરી નિયામક મયાત્રાએ જણાવ્યું કે, આ સ્વ-ગણતરી અભિયાનમાં નાગરિકોની સાથે સાથે વધુમાં વધુ કર્મયોગીઓ પણ સહભાગી થાય તે માટે રાજ્યમાં તા. 29 મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગ તેમજ તા. 20 મે 2026ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ કર્મયોગીઓ સ્વ-ગણતરી ફોર્મ ભરશે.

વર્ષ 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે.

નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.

9 ફેબ્રુઆરીથી બીજા તબક્કામાં જાતિની ગણતરી કરવામાં આવશે

નિયામક મયાત્રાએ ઉમેર્યું કે, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે.

આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે

ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા નિયામકે જણાવ્યું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં.

દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.