Rupal Palli 2026 Date and Time | રૂપાલની પલ્લીનો મેળો 2026: ગુજરાતમાં નવરાત્રીનો પર્વ એટલે આદ્યશક્તિની આરાધના અને ગરબાનો ઉમંગ. જોકે, આસો સુદ નોમના દિવસે ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં યોજાતો 'પલ્લીનો મેળો' સમગ્ર રાજ્યમાં આસ્થાનું અનેરૂ કેન્દ્ર બની રહે છે. વર્ષ 2026 માં પણ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં વરદાયિની માતાની ઐતિહાસિક પલ્લી નીકળશે. જાણો આ પલ્લી ક્યારે નીકળશે અને શું છે તેનો રોચક ઈતિહાસ.
ક્યારે યોજાશે પલ્લીનો મેળો?
આ પણ વાંચો
નવરાત્રી દરમિયાન આઠમ અને નોમનું વિશેષ મહત્વ હોય છે. પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે રૂપાલમાં માતાજીની પલ્લી નીકળે છે. વર્ષ 2026 માં 20 ઓક્ટોબર (સંભવિત તિથિ અનુસાર) ના રોજ મધરાતે આ ભવ્ય મેળો યોજાશે. ગાંધીનગરથી માત્ર 13 કિમી દૂર આવેલા રૂપાલ ગામે આ રાત્રે રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે.
ઘીની નદીઓ અને શ્રદ્ધાનો મહાસાગર
રૂપાલની પલ્લીની સૌથી મોટી વિશેષતા તેમાં થતો ઘીનો અભિષેક છે. વરદાયિની માતાની પલ્લી જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે લાખોની સંખ્યામાં ઉમટેલા ભાવિકો ચોખ્ખા ઘીનો ચઢાવો કરે છે. એક અંદાજ મુજબ, એક જ રાતમાં અહીં 4 થી 5 લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે, તેઓ માતાજીની પલ્લી પર ઘી ચડાવીને ધન્યતા અનુભવે છે. આ મેળામાં દર વર્ષે આશરે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
મહાભારત કાળ સાથે જોડાયેલો ઈતિહાસ
આ લોકમેળાનો ઈતિહાસ દ્વાપર યુગ અને મહાભારત કાળ સુધી લંબાયેલો છે. દંતકથા અનુસાર, પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન શસ્ત્રો ખીજડાના વૃક્ષ નીચે સંતાડ્યા હતા અને તેની રક્ષા માટે વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ, શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેમાં પાંચ કુંડની સ્થાપના કરી અને પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરતપણે ચાલી આવે છે.
ભગવાન શ્રી રામ અને વરદાયિની માતા
પલ્લી સાથે ત્રેતાયુગની કથા પણ જોડાયેલી છે. માન્યતા છે કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે પિતાની આજ્ઞા પાળવા અને રાવણ વધ માટે શક્તિ મેળવવા અહીં વરદાયિની માતાની પૂજા કરી હતી. ઋષિ શ્રૃંગીના આદેશથી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાએ માતાની આરાધના કરી હતી, જેના ફળસ્વરૂપે માતાજીએ પ્રસન્ન થઈને શ્રી રામને એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. કહેવાય છે કે લંકાના યુદ્ધમાં રામે આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.
