Gandhinagar News: ગાંધીનગરમાંથી હાઇપ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું છે. રાંધેજા-રુપાલ રોડ પર સ્થિત હોટલમાં દેહ વ્યાપાર ચાલી રહ્વો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં અનૈતિક વ્યાપાર સાથે સંકળાયેલી દિલ્હી-વડોદરાની યુવતીઓને મુકત કરાવાઇ હતી. પોલીસે બે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર ફરાર થતાં તેની શોધખોળ શરૂ કરાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે, રાંધેજા-રુપાલ રોડ પર આવેલી હોટલમાં હાઇ પ્રોફાઇલ દેહ વ્યાપાર ચાલી રહ્યો છે. હોટલમાં બહારથી યુવતીઓ બોલાવીને આ અનૈતિક વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમે ઓપરેશન હાથ ધરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન મયુરસિંહ અમૃતજી ગોહિલ નામના કર્મચારીને રિસેપ્શન કાઉન્ટર પરથી ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે, તે અહીં મુખ્ય સૂત્રધાર હર્ષવર્ઘનસિંહના કહેવાથી નોકરી કરી રહ્યો છે. હોટલના રૂમોની પોલીસે તલાશી લીધી હતી. જે દરમિયાન દિલ્હીના ખાનપુર અને વડોદરાના માંજલપુર વિસ્તારની યુવતીઓ અલગ-અલગ રૂમમાંથી મળી આવી હતી. યુવતીઓની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. મુખ્ય આરોપી દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતો હતો અને ગ્રાહક દીઠ 1 હજાર રૂપિયા આપવાનું કહીને અહીં બોલવાતો હતો.
ડીલ નક્કી થયા બાદ ગ્રાહકોને કાઉન્ટર પરથી કેસરી કલરના કોઇન આપવામાં આવતા હતા. સાંજે તેનો હિસાબ કરાતો હતો. પોલીસને દરોડા દરમિયાન આવા કોઇન મળી આવ્યા છે. આ ઉપરાંત હિસાબના ચોપડા, સ્કેનર અને કેટલીક વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી. સ્કેનરની તપાસ કરાતા તે મુખ્ય આરોપીના નામે હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન એક મોબાઇલ અને 24,500 રૂપિયાની રોકડ સહિતનો કુલ 26,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે મયુરસિંહ ગોહિલ, પૃથ્વી વ્યાસ નામના મે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી હર્ષવર્ઘનસિંહ રાઓલને ફરાર જાહેર કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
