Rupal Palli (Palli Melo): ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ અને ઐતિહાસિક, ધાર્મિક રીતે મહત્વ ધરાવતા વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે. વિશ્વમાં કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાથી જ્યાં દરેક શારદીય નવરાત્રી,આસો સુદ નવમી એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજીની સુપ્રસિધ્ધ પલ્લીમાં લાખો મણ શુદ્ધ ઘીનો લાખો ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રામાં અભિષેક કરે છે. આ યાત્રા અવિરત મહાભારત કાળના યુગો પર્યત વરદાયિની માતાની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે.
રૂપાલના વરદાયિની માતાની આગવી ઓળખ
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ માં આવેલું શ્રી વરદાયિની માતાનું પૌરાણિક મંદિર તેની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રા માટે જગતભરમાં જાણીતું છે. દર વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન, આસો સુદ નોમની મધ્યરાત્રિ બાદ યોજાતી આ ઐતિહાસિક યાત્રામાં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક કરવામાં આવે છે. આ ઘીની પલ્લી યાત્રાનો પ્રવાહ એટલો વિશાળ હોય છે કે તે 'ઘીની નદી' તરીકે ઓળખાય છે, જે મહાભારત કાળથી લઈને આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે.
મંદિરનું સ્થાપત્ય અને ઐતિહાસિક જીર્ણોદ્ધાર
શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું આ પ્રાચીન મંદિર પાંડવકાલીન હોવાનું માનવામાં આવે છે. તેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યો હતો, જે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે.
- નવનિર્મિત કલાકૃતિ: મંદિરનું નવું બાંધકામ સુંદર બંસી પહાડપુરી પથ્થર અને સોમપુરા વાસ્તુકલા શૈલી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
- સુવર્ણ આકર્ષણ: મંદિર પરનો સોનાનો કળશ અને સોનાનો ધ્વજ દંડ માં ની ધજા સાથે અતિ સોહામણો લાગે છે.
- ગર્ભગૃહની ભવ્યતા: માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને કમાન પર રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે.
- માતાજીની મૂર્તિ: ગર્ભગૃહમાં સ્થાપિત શ્વેત આરસની મૂર્તિ પર સોનાના આભૂષણો અને વસ્ત્રોનો શણગાર અત્યંત મનમોહક અને દૈદીપ્યમાન દર્શન કરાવે છે.
- મંદિરના વિશાળ સભામંડપમાં નવદુર્ગા અને શિવ પરિવાર ની મૂર્તિઓ પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં હજારો લોકો એકસાથે સરળતાથી દર્શન કરી શકે છે.
રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
વરદાયિની માતા સાથે જોડાયેલી કથાઓ ભારતની બે મહાન ગાથાઓ - રામાયણ અને મહાભારત - ને સ્પર્શે છે, જે મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ વધારે છે.
રાવણ વધ અને દિવ્ય બાણ (રામાયણ કાળ)
- માતા વરદાયિનીને નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહીની તરીકે પૂજવામાં આવે છે.
- એક કથા અનુસાર, ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ વનવાસમાં હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી માતાજીએ પ્રસન્ન થઈ તેમને એક અમોઘ દિવ્ય બાણ પ્રદાન કર્યું હતું.
- રાવણને બ્રહ્માજીના વરદાનથી જ્યારે નાભિમાં રહેલા અમૃતના કારણે વધ કરવો મુશ્કેલ બન્યો, ત્યારે આ દિવ્ય અસ્ત્રના પ્રયોગથી શ્રી રામચંદ્રજી દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો હતો.
ગુપ્તવાસ અને પલ્લીની શરૂઆત (મહાભારત કાળ)
- આ મંદિરને ઘણા લોકો અર્જુન-દ્રૌપદીનું મંદિર તરીકે પણ ઓળખે છે.
- પાંડવો જ્યારે વનવાસ દરમિયાન ગુપ્તવાસ માં રહેવાના હતા, ત્યારે તેમણે અહીં આવી માતાજીના દર્શન કર્યા હતા.
- માતાજીએ તેમને આશીર્વાદ આપીને વરખડીના ઝાડ નીચે તેમના તમામ અસ્ત્ર-શસ્ત્રો અને ઓળખ છતી થાય તેવી વસ્તુઓ મૂકી દેવાનું કહ્યું હતું.
- માએ આશીર્વાદ આપ્યા કે તેઓ વિરાટનગર (હાલના ધોળકા) માં ગુપ્તવાસ સુખેથી પૂર્ણ કરી શકશે, જ્યાં તેમને કોઈ ઓળખી નહીં શકે.
- ગુપ્તવાસ પૂર્ણ થયા બાદ, પાંડવોએ માતાની આરાધના કરી, જેના પરિણામે માતાએ તેમને મહાભારતના યુદ્ધમાં વિજયી થવાનું વરદાન આપ્યું અને ત્યારથી જ તેઓ મા વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા.
- વિજય પછી પાંડવો અને દ્રૌપદીએ અહીં પાંચ જ્યોત વાળી સોનાના રથવાળી પલ્લી બનાવી માની આરાધના કરી હતી. ત્યારથી દર વર્ષે આસો માસની નોમે આ પલ્લીનું આયોજન થાય છે.
રૂપાલને યાત્રાધામ તરીકે વિકસાવવાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ
- રૂપાલનું વરદાયિની મંદિર માત્ર સ્થાનિક આકર્ષણ ન રહેતાં, તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું યાત્રાધામ બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોટો કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
- વિકાસનું વિઝન: ગાંધીનગર (૧૩ કિ.મી.) અને અમદાવાદ (૩૫ કિ.મી.) ની નજીક આવેલા આ સ્થળને ગુજરાતના અન્ય મુખ્ય યાત્રાધામો કરતાં પણ વધુ સુંદર બનાવવાનો લક્ષ્યાંક છે.
- માન સરોવર તળાવ: પૌરાણિક માન સરોવર તળાવ અને મંદિરના કોરિડોરને યાત્રાધામની સાથે સાથે એક આકર્ષક પીકનીક સ્પોટ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન છે.
- ગાંધીનગરના પવિત્ર યાત્રાધામોમાં રૂપાલનું વરદાયિની મંદિર અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. વિશ્વમાં માત્ર રૂપાલ ગામે જ થતી ઘીની પલ્લીની ઉજવણી ગાંધીનગર જિલ્લા માટે એક અનન્ય ગૌરવ છે.
