Rupal Palli 2025 Live Updates: ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં વરદાયિની માતાજીના પલ્લી મેળામાં શોભાયાત્રા નીકળી હતી . પલ્લી પર કરાતા શુદ્ધ ઘીના અભિષેક માટે ટ્રેકટરની ટ્રોલીઓમાં ઘી એકત્ર કરવામાં આવ્યુ હતું. ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવતા રૂપાલના રસ્તા પર જાણે ઘીની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રૂપાલમાં માતાજીની પલ્લીમાં હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉમટ્યા હતા..
ગાંધીનગરથી 15 કિ.મી. દૂર આવેલા રુપાલ ગામમાં વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. મંદિરે દર વર્ષે આસો નવરાત્રીની નોમે પાલખી યાત્રા યોજાય છે. નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી વિશ્વભરમાં રુપાલની પલ્લી તરીકે જાણીતી છે.
આજે 30 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં ઘીનો અભિષેક કરવા માટે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટયા હતા. માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને રૂપાલ ગામ ગુંજી ઊઠ્યું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
ગુલાલ મહોત્સવ
આજે માતાજીની પલ્લી દરમિયાન મંદિર પટાંગણમાં ગુલાલ ઉત્સવ કરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, યુવાનો, વૃદ્ધો અને બાળકો ઉમટ્યા છે. ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા ગુલાલ ઉત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો. માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
વરદાયિની માતાજીના વધામણા
આજે પલ્લીના દિવસે રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે ભક્તો ઉમટી રહ્યાં છે. ભક્તો અને ગ્રામજનો દ્વારા વરદાયિની માતાજીના વધામણા કરવામાં આવ્યા હતા. જય વરદાયિની જય જગદંબા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ધીરે-ધીરે ભક્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો દ્વારા માતાજીના આંગણે ગરબા રમવામાં આવ્યા હતા.
પલ્લી યાત્રાની અનન્ય પરંપરા
પલ્લી રથની યાત્રા પૂર્વે રૂપાલ ગામના ગ્રામજનો, જાતિ-વર્ણના ભેદભાવ વિના, એક સમાન મૂલ્ય જળવાઈ રહે તેવા હેતુથી પલ્લી નિર્માણ કાર્યમાં જોડાય છે. આસો સુદ નોમના રોજ મધ્યરાત્રિ પહેલા માતાજીની મૂર્તિ સન્મુખ સંપૂર્ણ ધાર્મિક રીતરિવાજો સાથે પલ્લી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે છે.
ગ્રામજનોનો અમૂલ્ય સહયોગ
રૂપાલ ગામના રહીશો, ભલે તેઓ દેશ-વિદેશમાં ક્યાંય પણ વસતા હોય, પલ્લી યાત્રામાં સહભાગી થવા અથવા દર્શન કરવા અચૂક આવે છે. પલ્લી પર શુદ્ધ ઘીથી અભિષેક કરીને આવનારા વર્ષ માટે સુખ, સંપત્તિ અને વૈભવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ એક કર્તવ્યપાલન અને શ્રદ્ધાનો વિષય છે.
પલ્લી પર ઘી અભિષેકનું મહત્વ
પલ્લી રથ પર મુખ્ય પાત્રમાં શ્રી વરદાયિની માતાને બલિદાન રૂપે ઘી ચડાવવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન માતાજીની મૂર્તિના હાવભાવમાં હર્ષપૂર્ણ પરિવર્તન જોવા મળે છે, જે ભક્તો માટે એક દિવ્ય અનુભવ બની રહે છે. લાખો ભક્તો આ જીવંત દર્શનનો અનુભવ કરવા વિશ્વભરમાંથી આવે છે.
દશેરાથી શરદપૂર્ણિમા સુધી દર્શન
જો કોઈ કારણસર પલ્લીની રાત્રે દર્શન ન થઈ શકે, તો ભક્તો દશેરાની પ્રભાતથી શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધીમાં પરિવાર સાથે પલ્લી મંદિર પર આવીને માતાજીને અભિષેક કરે છે. આ વ્યવસ્થા દ્વારા વધુને વધુ ભક્તોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે.
માતા વરદાયિનીનો પ્રાચીન મહિમા
પૌરાણિક કથાઓ અનુસાર, બ્રહ્માજીના રક્ષણ માટે દુર્ગમ દૈત્ય સામેના યુદ્ધમાં વિજયી થતાં માતાનું નામ 'દુર્ગા' પડ્યું હતું. બ્રહ્માજીએ જ તેમને 'વરદાયિની' નામ આપ્યું હતું, જેનો અર્થ વરદાન આપનારી દેવી થાય છે. આ પ્રાચીન નગરી રૂપાવટી સાથે જોડાયેલી ગાથા છે.
પલ્લી યાત્રાનો પૌરાણિક આરંભ
શ્રી વરદાયિની માતાના આ જ મંદિરે ભગવાન શ્રી રામે વરદાન પ્રાપ્ત કર્યું હોવાનું મનાય છે. પાંચ પાંડવો અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સુવર્ણ પલ્લી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પરંપરા આજે પણ અવિરતપણે દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાય છે.
