Rupal Palli 2025: ગાંધીનગરના રૂપાલ ગામ જ્યાં નવરાત્રીમાં નોમના દિવસે માતાજીની પલ્લીમાં વહે છે ઘીની નદીઓ; રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલું છે મંદિર

પલ્લીની શોભાયાત્રા રાત્રે 12 વાગ્યા પછી શરૂ થશે. સંસ્થા દ્વારા દર્શનાર્થીઓ માટે સાંજે 6 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી નિ:શુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 27 Sep 2025 08:28 AM (IST)Updated: Sat, 27 Sep 2025 08:28 AM (IST)
rupal-palli-2025-date-history-and-significance-of-gandhinagars-vardayini-mata-temple

Vardayini Mata Yatra Dham – Rupal: રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલું ગાંધીનગરનું એક અદભુત અને ઐતિહાસિક મંદિર એટલે રૂપાલનું વરદાયિની માતા મંદિર.જ્યાં હજારો યાત્રિકો અને ભાવિક ભક્તો દેશ વિદેશથી પલ્લી દર્શન અને જગત જનની વરદાયિની મનમોક સ્વરૂપના દર્શન કરવા આવે છે,અને મા ના સાક્ષાત્કાર સાથે અગમ્ય અનુભવ કરવા સાથે રમણીય દર્શનીય સ્થાન એટલે આપણા રૂપાલ નું પલ્લી મંદિર, જે વરદાયિની મંદિર તરીકે પણ ઓળખાય છે,ત્યાં આવી ધન્યતા અનુભવે છે. 

2025માં ક્યારે છે રૂપાલની પલ્લી

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે શ્રી વરદાયિની માતા દેવસ્થાન દ્વારા આયોજિત પલ્લી મેળો આસો સુદ નોમના દિવસે, તારીખ 30 સપ્ટેમ્બર 2025ને મંગળવારના રોજ યોજાશે. પલ્લીની શોભાયાત્રા રાત્રે 12 વાગ્યા પછી શરૂ થશે. સંસ્થા દ્વારા દર્શનાર્થીઓ માટે સાંજે 6 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી નિ:શુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં હજારો ભક્તો માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરે છે.

naidunia_image

વરદાયિની માતાનું પૌરાણિક મંદિર

ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ અને ઐતિહાસિક, ધાર્મિક રીતે મહત્વ ધરાવતા વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે‌.

શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિરને  સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરી ને બનાવવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામની વાત કરવામાં આવે તો તે, સુંદર બંસી પહાડપુરી પથ્થરથી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત, સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક કલાકૌશલ્ય થકી નવનિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે. તેમજ સભા મંડપમાં નવદુર્ગા ની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે.

માતાજી ના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજીના ગોખ માં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે. તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસની મૂર્તિનો શણગાર અને માં નું મુખમંડળ પરની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિ ના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે. મૂર્તિ નું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર આકર્ષક અને વિશાળ સભામંડપ અને હજારો લોકો ને સરળતા થી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

પલ્લીમાં દર વર્ષે ઘીનો અભિષેક

વિશ્વ માં કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાથી જ્યાં દરેક શારદીય નવરાત્રી,આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજીની સુપ્રસિધ્ધ પલ્લીમાં લાખો મણ શુદ્ધ ઘી નો લાખો ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે. આ યાત્રા અવિરત મહાભારત કાળ ના યુગો પર્યત વરદાયિની માતા ની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે.

naidunia_image

મંદિર સ્થાન અને મા વરદાયિની સાથે જોડાયેલી રામાયણ તથા મહાભારત કાળની વાર્તાઓ

ઐતિહાસિક વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, તેઓ અહીં નવદુર્ગાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બ્રહ્મચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે. ત્રેતાયુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈ રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું, જેનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો.
બ્રહ્માજીએ આપેલા વરદાન ના પ્રભાવે નાભીમાં રહેલા અમૃતના પ્રભાવથી મસ્તક તો છેદાયા છતાં, પણ જ્યારે રાવણ વધ કરી શકાયો નહીં ત્યારે મા વરદાયની દ્વારા અસ્ત્રના પ્રયોગથી શ્રી રામચંદ્રજી દ્વારા રાવણ વધ કરવામાં આવ્યો હતો.

આ મંદિરને ઘણા બધા લોકો અર્જુન દ્રૌપદીના મંદિર તરીકે પણ ઓળખે છે. કારણકે એક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, જ્યારે પાંડવોને વનવાસ દરમિયાન ગુપ્તવાસમાં રહેવાનું આવ્યું, ત્યારે તેમણે અહીં આવી માતાજીના દર્શન કર્યા હતા, અને માતાજીએ સ્વયં તેમને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આ મારી વરખડીના ઝાડ નીચેતમારા અસ્ત્ર-શસ્ત્ર અને ઓળખ છતી થાય તેવી દરેક વસ્તુઓ મૂકી દો. અને અહીંથી છ યોજન દૂર વિરાટનગર એટલે કે હાલના ધોળકા તરફ પાંડવોને ગુપ્તવાસ માટે મોકલતા આશીર્વાદ આપ્યા હતા કે, તમને વિરાટનગરના કોઈપણ સ્ત્રી પુરુષ કે જીવ ઓળખી નહી શકે, અને તમારો ગુપ્તવાસ સુખેથી પૂર્ણ થશે.

ગુપ્તવાસ પૂર્ણ થયા પછી રૂપાલા વરખડીના વૃક્ષ નીચેથી અસ્ત્ર-શસ્ત્રો વગેરે પાછા મેળવી પાંડવો દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. પરિણામે માએ તેમને યુદ્ધમાં વિજય થવાનું વરદાન આપ્યું હતું અને ત્યારથી માં વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા.

મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પાંડવો અને દ્રૌપદી ફરી મા વરદાયિનીના દર્શને આવ્યા હતા, અને પાંચ જ્યોત વાળી સોનાના રથવાડી પલ્લી બનાવી માની આરાધના કરી હતી તથા પંચ બલી યજ્ઞ પણ કર્યો હતો. બસ ત્યારથી અત્યાર સુધી દર વર્ષે આસો માસની નવરાત્રીની નોમના દિવસે માની પલ્લી કરવામાં આવે છે.

આ ઉપરાંત ‘વરદાયની સ્તુતિ’ની દસમ પંક્તિમાં કહેવાયું છે, તે પ્રમાણે જ્યારે બ્રહ્માજી જગત રચના કરતા સ્મૃતિભ્રંશથી મોહ પામ્યા હતા, ત્યારે મા વરદાયની દ્વારા તેમની વિસ્મૃતિ દૂર કરી સ્મૃતિ આપવામાં આવી હતી.

naidunia_image

ગાંધીનગર તેમજ અમદાવાદ નજીક સુંદર યાત્રાધામ તરીકે અતિ પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન મંદિર શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનની સુંદર કાયાપલટ કરવાનો નીર્ધાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂપાલ ગામ ગાંધીનગરથી નજીક 13 કિલોમીટર અને અમદાવાદ થી 35 કિલોમીટર આવેલું છે, આ મંદિરના કોરિડોરનો પણ ગુજરાતના અન્ય મુખ્ય પ્રમુખ યાત્રાધામથી પણ વધુ સુંદર નવરચના કરવાના આયોજન મુજબ કાર્ય થયું છે. અહીં રૂપાલનું પૌરાણિક માન સરોવર તળાવ અને કોરિડોરને એક યાત્રાધામ સાથે સાથે પીકનીક સ્પોટ પર્યટન સ્થાન તરીકે વિકસાવવાનું કાર્ય પણ કરવાનું આયોજન છે.

આમ,જો ગાંધીનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામો અથવા ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા સ્થળોની વાત કરવામાં આવે તો, તેમાં ચોક્કસ રૂપાલ વરદાયની મંદિરનો પહેલી હરોળમાં સમાવેશ થાય છે. એટલું જ નહીં પણ અહીંની નવરાત્રીની પલ્લીની ઉજવણી વિશ્વમાં માત્ર એક જ સ્થળે માત્ર અને માત્ર રૂપાલ ગામે થતી હોવાનું ગૌરવ પણ ગાંધીનગરને મળે છે.