President Droupadi Murmu Gujarat Visit: ભારતીય સિનેમા ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન ઈતિહાસમાં પ્રથમ વખત દેશની રાજધાની નવી દિલ્હીની બહાર ગુજરાતમાં થશે. આ અંગે સત્તાવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની અધ્યક્ષતા કરશે.
રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહની અધ્યક્ષતા કરશે. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, આગામી 22 સપ્ટેમ્બરે યોજાનારા આ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ જગતના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ પણ આ સમારોહમાં સહભાગી થશે.
ભવ્ય આયોજન માટે તૈયારીઓનો ધમધમાટ
કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ આયોજનો અને વહીવટી તૈયારીઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા . આ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરના મહત્ત્વના કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
