નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સામે રાજ ઠાકરે-સંજય રાઉતનો વિરોધ;પરેશ રાવલનો સવાલ- ‘શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે?’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે તેમજ સાંસદ સંજય રાઉતે આ નિર્ણય સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 11 Sep 2026 03:58 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:58 PM (IST)
raj-thackeray-and-sanjay-raut-oppose-the-national-film-awards-paresh-rawal-asks-is-gujarat-in-bangladesh-or-pakistan

72nd National Film Awards:કેવડિયા (એકતા નગર):રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards)ના 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રતિષ્ઠિત સમારોહ દેશની રાજધાની દિલ્હીની બહાર ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે યોજાવા જઈ રહ્યો છે. આગામી 22 સપ્ટેમ્બર 2026 ના રોજ આયોજિત થનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહના સ્થળ પરિવર્તનને લઈને દેશના રાજકારણ અને સિનેમા જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના નેતાઓ દ્વારા આ નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે, જ્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે ગુજરાતનો વિરોધ કરનારાઓને કડક જવાબ આપ્યો છે.

રાજ ઠાકરે અને સંજય રાઉતનો આકરો વિરોધ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે તેમજ સાંસદ સંજય રાઉતે આ નિર્ણય સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો કે મુંબઈનું મહત્વ ઘટાડ્યા પછી હવે શું દિલ્હીનું પણ મહત્વ ઓછું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેમણે કહ્યું કે દાદાસાહેબ ફાળકેએ મહારાષ્ટ્રમાં ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો અને દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં મોટા પાયે ફિલ્મો બને છે, છતાં માત્ર ગુજરાતની જ કેમ પસંદગી કરવામાં આવી?

બીજી તરફ, શિવસેના સાંસદ સંજય રાઉતે આ પગલાને રાજકીય એજન્ડા ગણાવીને દેશભરના કલાકારોને આ પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

પરેશ રાવલનો જવાબ:

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે મહારાષ્ટ્રના નેતાઓને આડે હાથ લીધા હતા.તેમણે પ્રશ્ન કર્યો હતો કે, "શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે? ગુજરાત પણ આપણા જ દેશનો એક ભાગ છે. તો પછી ગુજરાતમાં આવા રાષ્ટ્રીય કાર્યક્રમો કેમ ન થઈ શકે?" તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના ભવ્ય રાષ્ટ્રીય આયોજનો દેશના દરેક રાજ્યમાં થવા જોઈએ અને તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો 72 વર્ષનો ઇતિહાસ:

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની શરૂઆત વર્ષ 1954 માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે થઈ હતી. તે સમયે તેને 'સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ' તરીકે ઓળખવામાં આવતા હતા. વર્ષ 1953 માં રિલીઝ થયેલી ફિલ્મો માટે યોજાયેલા પ્રથમ સમારોહમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ' (Shyamchi Aai) ને મળ્યો હતો.

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના મુખ્ય વિજેતા:

આ વર્ષે જાહેર થયેલી વિજેતાઓની યાદી:

1. રણદીપ હૂડાની ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ને 'બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ એ ડિરેક્ટર' નો એવોર્ડ મળ્યો છે.
2. યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'આર્ટિકલ 370' ને વર્ષ 2024 ની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.
3. રાજકુમાર રાવની ફિલ્મ 'શ્રીકાંત' ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.
4. સાઉથના સુપરસ્ટાર મમૂટી (ફિલ્મ 'બ્રહ્મયુગમ') અને કાર્તિક આર્યન (ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન') ને સંયુક્ત રીતે 'બેસ્ટ એક્ટર ઇન એ લીડિંગ રોલ' નો પુરસ્કાર મળ્યો છે. મમૂટીને ચોથી વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.