ગુજરાત સરકારની નવી સ્પેશિયલ સ્કીમ: ગરીબ અને SC-ST પરિવારોને વીજ બિલમાંથી મળશે મોટો છુટકારો

ગુજરાત સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગરીબ અને આદિવાસી પરિવારો માટે લાવશે ખાસ સ્કીમ. માત્ર 5 થી 10 હજારના મામૂલી રોકાણમાં મળશે 2kW સોલાર પેનલ. જુઓ સંપૂર્ણ માહિતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 21 Oct 2026 09:31 AM (IST)Updated: Wed, 21 Oct 2026 09:31 AM (IST)
pm-surya-ghar-yojana-gujarat-solar-rooftop-subsidy-for-poor-tribal-families-2kw-panel

PM Surya Ghar Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી વપરાશ યોજના હેઠળ ગરીબ, અનુસૂચિત જાતિ અને આદિવાસી પરિવારો માટે એક વિશેષ યોજના જાહેર કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોના ગ્રામીણો પોતે જ સ્વ વપરાશની વીજળી ઉત્પન્ન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર હાલની નીતિમાં સુધારો કરવા જઈ રહી છે.

2 કિલોવોટ સોલાર માટે નજીવું રોકાણ

હાલમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 3 કિલોવોટ કે તેથી વધારે ક્ષમતા ધરાવતી સોલાર રુફટોપ સિસ્ટમ પર સરકાર રુ.78 હજારની સબસીડી આપે છે. 3 કિલોવોટ સોલાર સિસ્ટમ બેસાડવાનો કુલ ખર્ચ 1.50 લાખ જેટલો થાય છે. મોટો ખર્ચ હોવાના લીધે હાલમાં મુખ્યત્વે મધ્યમ અને ઉચ્ચ વર્ગના પરિવારો આ યોજનાનો વધારે લાભ લઈ રહ્યા છે. હવે આ પરિસ્થિતિ બદલવા માટે રાજ્ય સરકારે સબસીડીમાં ઘટાડો કરીને 2 કિલોવોટ કરવાની દરખાસ્ત તૈયાર કરી છે.

સ્પેશિયલ સ્કિમમાં ગરીબોને લાભ

રાજ્ય સરકારની આ સ્પેશિયલ સ્કીમ હેઠળ આદિવાસી અને ગરીબ પરિવારોને માત્ર રુ.5 હજારથી 10 હજાર સુધીનૂં મામૂલી રોકાણ કરવાનું રહેશે. જ્યારે બાકીની રકમ પર સબસીડીનો લાભ મળશે. આ નિર્ણયથી ડુંગરાળ વિસ્તારોના પરિવારો અને નાના ઘરેલું ઉદ્યોગકારોને વીજ બિલમાંથી મોટો છુટકારો મળશે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યાં આશરે 11લાખથી વધુ પરિવારો સોલાર એનર્જીનો લાભ લઈ રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક

રાજ્યમાં વધી રહેલી વીજ માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં દિવસ દરમિયાન ઉત્પાદિત થતી સોલાર ઊર્જાનો સાંજના સમયે ઉપયોગ કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને મજબૂત કરવા સૂચના આપી હતી. દિવસે ઉત્પાદિત થતી 12,000 MW સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય અને ખેતીવાડીનો પાવર લોડ પણ દિવસ દરમિયાન જ રહે તેવું આયોજન કરાયું છે.

હાલમાં રાજ્ય પાસે માત્ર 192 મેગાવોટ BESS ક્ષમતા છે. સાંજના સમયે પાવર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વધારાની 2,742 MW ક્ષમતા માટે નવા કરારો કરવામાં આવ્યા છે, જેનો અમલ ઝડપથી કરાશે.